Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે મોદી! રોજ 2 લાખ ભક્તો આવશે, જ્યાં સ્વયંભૂ પ્રગટ્યા શિવ

રામમંદિર બાદ ગુજરાતના મહેસાણા જિલ્લામાં તૈયાર થયેલાં ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના છે. અત્યારથી આ ભવ્ય મંદિરના વિશાળ કાર્યક્રમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 900 વર્ષ પહેલાં અહીંની જમીનમાં સ્વંભૂ પ્રગટ થયેલાં ભગવાન.

ગુજરાતના આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરશે મોદી! રોજ 2 લાખ ભક્તો આવશે, જ્યાં સ્વયંભૂ પ્રગટ્યા શિવ

ઝી બ્યૂરો, અમદાવાદઃ 22 જાન્યુઆરી 2024 આ તારીખ ઈતિહાસના પન્નાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગઈ છે. કારણકે, આ દિવસે અયોધ્યા ખાતે થઈ હતી ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા. પ્રધાનમંત્રી મોદીએ રામલલ્લા જન્મભૂમિ પર રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યારે સમગ્ર દેશ અને દુનિયાભરમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. સૌ કોઈ રામમય બની ગયું હતું. હવે ફરી એકવાર ગુજરાતમાં બનેલાં ભવ્ય મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપવાના હોવાની ચર્ચા છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં તેમની સાથે હાજર રહી શકે છે. 45000 સ્કવેર ફૂટ જેટલા વિશાળ વિસ્તારમાં આ ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વીસનગર તાલુકાના તરભ ગામમાં તૈયાર થયું છે આ ભવ્ય મંદિર. અહીં 900 વર્ષ પૂર્વે વિરમગીરીજી મહારાજે સ્થાપેલી રબારી સમાજના ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનાવવામાં આવ્યું છે. આ શિવધામનું વર્ષ 2011માં બળદેવગીરીજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરવામાં આવ્યું હતું. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યાની પાવનભૂમિમાં રબારી સમાજોની ગુરુગાદીની સ્થાપના કરી હતી અને રબારી સમાજના લોકો ગુરુગાદી અને તેના આચાર્યને ભગવાનની જેમ પૂજે છે.

આગામી 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ચારેય પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. લાંબા સમયથી આ મંદિર ખાતે અન્નક્ષેત્ર પણ ચાલી રહ્યું છે. 'આજ પરંપરાના નિર્વહન માટે માટે બાપુનો આદેશ હતો કે, આ ગાયો અને ઘોડીઓનું જ્યાં સુધી પાલન થશે, ત્યાં સુધી આ સંસ્થા ચાલતી રહેશે. 

900 વર્ષ પહેલાં અહીં જમીનમાંથી સ્વંય ભૂ પ્રગટ થયા હતા મહાદેવઃ
એવું કહેવાય છેકે, આજથી 900 વર્ષ પહેલાં અહીં સ્વયંભૂ પ્રગટ થયા હતા વાળીનાથ મહાદેવ. આજે એજ જગ્યા પર રબારી સમાજની ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. વાળીનાથ એટલે મહાદેવના અલગ અલગ સ્વરૂપોમાંથી એક. એવી પણ લોકવાયકા છેકે, આ મંદિરમાં મૂર્તિ સ્વરૂપે સાક્ષાત વાળીનાથ ભગવાન બિરાજમાન છે. લગભગ 900 વર્ષ પહેલાં આ જમીનમાંથી વાળીનાથ ભગવાનની મૂર્તિ, ગણેશજીની મૂર્તિ, મા ચામુડાંની મૂર્તિ સ્વયંભૂ નીકળી હતી. તે સમયે પૂજ્ય વિરમગીરીદી મહારાજે આ મૂર્તિની સ્થાપના કરી હતી. ત્યાર લઈને અત્યાર સુધીનો મંદિરનો ઈતિહાસ એવો રહ્યો છેકે, જ્યારે જ્યારે પણ પૂજ્ય બાપુ ગાદી પર બિરાજમાન થયા ત્યારે એક ઘોડી અને એક ગાયનું દાન આપવામાં આવ્યું હતું. જેનો વંશવેલો હજુ પણ મંદિરમાં ચાલી રહ્યો છે. હાલ વાળીનાથ ધામમાં કાંકરેજ નસલની 900 થી વધારે ઉત્તમ ગાયોનો ઉછેર થાય છે. તેમજ રેમે નસલની પણ 12 જેટલી ઘોડીઓ અહીં રાખવામાં આવી છે.

આ શિવલિંગના દર્શનથી મળે છે બારેય જ્યોતિર્લિંગના દર્શનનું ફળઃ
એવું કહેવામાં આવે છેકે, જેણે આ શિવલિંગનાં દર્શન કર્યા તેને બારેબાર જ્યોતિર્લિંગનાં દર્શનનું ફળ મળી ગયું. બહુ ઓછા લોકો બારેય બાર એટલેકે, દ્વાદશ જ્યોતિર્લિંગની યાત્રા પૂરી કરતા હોય છે. બાપુને ભાવ એવો આવ્યો કે, આ જે શિવલિંગ છે આપણું અને આખા ભારતવર્ષમાં જે દ્વાદશ જ્યોતિર્લિંગ (ચારધામ) આ શિવાય પશુપતિનાથ નેપાળ લઇ જઈએ અને તેનું પૂજન કરાવીએ. જેથી અહીંના દર્શન કરનારને બારેય જ્યોતિર્લિંગના એક સાથે દર્શન અને ફળની પ્રાપ્તિ થાય.

આ મંદિર સાથે પ્રધાનમંત્રીનો છે ખાસ સંબંધઃ
'પૂજ્ય બાપુ બ્રહ્મલીન થયા ત્યારે દિલ્હીથી વડાપ્રધાન દ્વારા ફોન પર વાતચીત થયેલી અને તેઓએ ફોન પર શ્રદ્ધાંજલિ આપી હતી. 

મંદિરની વિશેષતાઃ
સોમનાથ બાદ ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિર
આ મંદિર લગભગ 45,000 ચોરસ ફૂટમાં બનેલું છે
20 હજાર સ્કવેર ફૂટમાં બનાવ્યું ભોજનાલય
આ મંદિરમાં બંસી પહાડપુર પથ્થરમાંથી દિવ્ય શોભાયમાન મંદિર બનાવ્યું છે.
અયોધ્યાના રામ મંદિરમાં જે પથ્થર વપરાયો છે, તે જ પથ્થર આ મંદિરના બાંધકામમાં વપરાયો છે.
આખા ઉત્તર ગુજરાતમાં આથી મોટું કોઈ શિવધામ નથી.
વર્તમાન સમયમાં અહીં ભવ્ય ગુરુકુળ બની રહ્યું છે. 
1 લાખ 45 હજાર ઘનફૂટ પથ્થરોમાંથી આ મંદિર બન્યું છે
આ મહોત્સવમાં 1 લાખ કરતાં વધુ સ્વયં સેવકોએ સેવા આપવા માટે યાદી મોકલાવી છે.
મંદિરનો 2011માં શિલાન્યાસ કર્યો હતો.
આ મંદિરના નિર્માણ પહેલાં આખા ગુજરાતમાં ભવ્ય રથયાત્રા નીકળી હતી.

સોમનાથ બાદ ગુજરાતનું બીજું સૌથી મોટું મંદિરઃ
એવું પણ કહેવામાં આવે છેકે, ગુજરાતમાં સોમનાથ બાદ આ બીજું સૌથી મોટું મંદિર હશે. પૂજ્ય બાપુનો વિચાર હતો કે, ગુજરાતમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સોમનાથ બિરાજમાન છે અને તેની મર્યાદા જળવાઈ રહે તે પ્રકારે તેના શિખરની જે ઊંચાઈ છે, તેનાથી થોડી નીચી ઊંચાઈ હોવી જોઈએ. જેને ધ્યાનમાં રાખીને અહીં સુંદર શિવધામ બનાવ્યું છે. આ મંદિર લગભગ 45,000 ચોરસ ફૂટમાં બનેલું છે. વર્તમાનમાં ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં જોવા જઈએ તો સોમનાથ પછી આ બીજા નંબરનું મોટું મંદિર છે.

પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન:
આ મંદિર માટે અગાઉ રથયાત્રા પણ અલગ-અલગ જગ્યાએ ફરી હતી, જ્યાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. તમામ લોકોએ રથને આવકારી સ્વાગત કર્યું હતું. રથયાત્રાને લઈને અનેક લોકોએ સારું એવું દાન પણ કર્યું છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન 1100 હવન થવાના છે અને 15 હજાર યજમાન બેસવાના છે. અત્યારથી હવનકુંડ તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ પ્રકારની કચ્છની માટીના લીંપણથી તૈયાર કરવામાં આવ્યા છે. 

રોજ 2 લાખથી વધુ લોકો દર્શનાર્થે આવશે!
આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના તમામ લોકો ભાગ લેશે. આ મહોત્સવમાં 1 લાખ કરતાં વધુ સ્વયં સેવકોએ સેવા આપવા માટે યાદી મોકલાવી છે. રોજ 2 લાખથી વધુ લોકો મુલાકાત લેશે, જેથી 2 લાખ લોકોના રોજના જમવા માટેની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત હજારોની સંખ્યામાં વાહનો આવવાના હોવાથી પાર્કિંગ માટે પણ અલગથી વ્યવસ્થા કરવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More