Home> Gujarat
Advertisement
Prev
Next

...તો લોકસભા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદે હશે નવો ચહેરો, પાટીલનો રોલ બદલાશે

લોકસભાની ચૂંટણીઓની ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ભાજપે પણ પોતાનો ટાર્ગેટ રાખ્યો છે. તમામ બેઠકો પર 5 લાખથી વધુની લીડ સાથે જીતવાનો સી.આર.પાટીલે કાર્યકરોને ટાર્ગેટ આપ્યો છે. પણ ભાજપ લોકસભા જીતશે તો પછી શું થશે...?

...તો લોકસભા બાદ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ પદે હશે નવો ચહેરો, પાટીલનો રોલ બદલાશે

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભલે સીઆરની નિયુક્તિ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડાએ કરી છે પરંતુ બીજેપીની રાજનીતિ પર ઝીણવટભરી નજર રાખનાર તમામ લોકો જાણે છે કે, સીઆર નરેન્દ્ર મોદીની પસંદ છે. સીઆર ફાઇટર છે, આ વાત ઇતિહાસ તેના પુરાવા પણ આપે છે. દિલ્હી હાઈકમાને જે ભરોસો મૂક્યો છે એ પાટીલે નિભાવ્યો છે. હાલમાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે પાટીલ જવાબદારી સંભાળી રહ્યાં છે પણ જેમ લોકસભા બાદ દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા બદલાશે એમની સાથે પાર્ટીલનો કાર્યકાળ પણ પૂરો થાય તેવી ચર્ચા છે.

આ પણ ખાસ વાંચોઃ  સચિવાલયમાં આ મંત્રીને ત્યાં રજૂઆત માટે જાઓ તો જમ્યાં વિના નથી જવા દેતાં!

ભાજપ લોકસભાની ચૂંટણી જીત્યું તો પાટીલનો રોલ બદલાશે. જે પી નડ્ડાને પણ ભાજપ લોકસભાની ચૂંટણી લડાવવાની તૈયારીઓ કરી રહ્યું છે. પાટીલ છેલ્લી 2 ટર્મથી લોકસભાના સાંસદ છે. દેશમાં સૌથી વધારે મતોથી વિજેતા બનતા સીઆર પાટીલે ગુજરાત ભાજપ માટે કરેલી મહેનતનું ફળ લોકસભા બાદ મળે તો પણ નવાઈ નહીં... આ પહેલાં પણ પાટીલ દિલ્હી જઈ રહ્યાં હોવાની ચર્ચાઓ ચાલી હતી જોકે, એ સમયે મંત્રી મંડળનું વિસ્તરણ અટકવાની સાથે ગુજરાતમાં લોકસભાની 26માંથી 26 સીટો જીતવાના લક્ષ્યાંકને કારણે ભાજપે સીઆર પાટીલનો કાર્યકાળ લંબાવી દીધો હતો. 

ગુજરાતમાં સૌથી સફળ કોઈ પ્રદેશ પ્રમુખ હોય તો એ સીઆર પાટીલ છે. ગુજરાત ભાજપના ચાર દશકોનાં લાંબા ઇતિહાસમાં પાટીલ પહેલા એવા પહેલા અધ્યક્ષ છે, જેઓ મૂળ મરાઠી છે. 1975થી સુરતમાં પોલીસ કોન્સ્ટેબલની નોકરી શરૂ કરનાર સીઆરે 1984માં નોકરી છોડી અને 25 ડિસેમ્બર 1989ના રોજ બીજેપીમાં ઔપચારિક રીતે જોડાયા. શરૂના વર્ષોમાં સુરત શહેર અને જિલ્લાની એકાઇમાં જ સીઆર સક્રિય રહ્યા. તે સમયે સીઆરનાં ગોડફાધર કાશીરામ રાણા હતા.  પાટીલના કેરિયરમાં વર્ષ 2007થી સકારાત્મક ફેરફાર થવાના શરૂ થયા હતા.

દિલ્હી હાઈકમાન્ડને વિશ્વાસ છે કે, ગુજરાતમાં કૉંગ્રેસને વાપસીની તક નહીં આપે, 2014માં જ્યારે મોદી વારાણસી અને વડોદરા બંન્ને બેઠકો પર એકસાથે જીત્યા અને પછી તેમણે વારાણસીની બેઠકને પોતાની પાસે રાખી હતી. તો વારાણસીની જવાબદારી પાટીલે જ સંભાળી હતી. એ સમયથી જ તેઓ પીએમ મોદીની નજીક આવી ગયા હતા.  વર્ષ 2015ની બિહાર વિધાનસભા ચૂંટણીમા બીજેપીના ચૂંટણી સહ પ્રભારીની ભૂમિકા હોય કે પછી 2018ની ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં 29 વિધાનસભા સીટોની જવાબદારી હોય, પાટીલે ઘણી જ મહેનત કરી છે.

હાલમાં પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યાં છે. પાટીલે ગુજરાતીમાં 156 સીટો જીતીને એ સાબિત કરી દીધું છે કે ગુજરાતના ચૂંટણી ચાણક્ય તો તેઓ જ છે. ગુજરાતમાં લોકસભાની તૈયારીઓ તેજ બની ગઈ છે. ગુજરાતમાં કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓએ પણ તૈયારીઓ આદરી છે. ભાજપ કોઈ પણ સંજોગોમાં ગુજરાતમાંથી 26માંથી 26 બેઠકો જીતવા માગે છે. હાલમાં લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપે ફરી તૈયારીઓ શરૂ કરી છે. જેમાં હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને પણ હિમાચલમાંથી ભાજપ લોકસભાની ચૂંટણી લડાવે તેવી સંભાવના છે. જે પી નડ્ડાની વાત કરીએ તો 20 જાન્યુઆરી 2020 ના રોજ તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. તે મુજબ 20 જાન્યુઆરી 2023ના રોજ તેમના ત્રણ વર્ષ પૂર્ણ થઈ ગયા હતા. ભાજપે એમને રીપિટ કરવાને બદલે 2024ની સામાન્ય ચૂંટણી સુધી ભાજપની કમાન તેમના હાથમાં સોંપી દીધી છે.

ભાજપ પાર્ટીએ રાજ્યસભામાં એક નેતાને બે ટર્મથી વધુ ન આપવાની નીતિને અનુસરીને નડ્ડાને આ વખતે લોકસભા ચૂંટણી લડવા દેવાનો નિર્ણય કર્યો છે. આમ 2024માં ભાજપ ફરી જીત્યું તો નડ્ડાને જે ફાયદો થશે એ જ ફાયદો સીઆર પાટીલને પણ મળી શકે છે. 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પહેલાં મંત્રીમંડળમાં સીઆરનો સમાવેશ થવાનો હતો.  જોકે, મંત્રીમંડળનું વિસ્તરણ અટકી જતાં ભાજપે પાટીલને લોકસભાની 26 સીટો જીતાડવાની જવાબદારી સોંપી હતી. પાટીલ આ હેટ્રીક લગાવવામાં સફળ રહ્યાં તો દિલ્હી હાઈકમાન તેમને લાભ આપી શકે છે. આગામી સમયમાં લોકસભામાં મોદી સરકાર ફરી રીપિટ થાય અને ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતે તો પાટીલનો રોલ બદલાશે અને લોકસભા બાદ ભાજપમાં પ્રદેશ અધ્યક્ષ પદે નવો ચહેરો હશે એમાં કોઈ નવાઈ નહીં હોય.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More