Home> Gujarat
Advertisement
Prev
Next

સૌરાષ્ટ્રમે ક્યાં ચલ રહા હૈ? યુવકો દારૂની મહેફિલમાં મસ્ત, અને પોલીસ ટ્રાફિક ડ્રાઇવમાં વ્યસ્ત!

Rajkot News : ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને ઠેર-ઠેર પોલીસ દ્વારા દેશીદારૂનાં ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જ્યારે રાજકોટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હોવાથી પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચાએ જોર પકડ્યું 

સૌરાષ્ટ્રમે ક્યાં ચલ રહા હૈ? યુવકો દારૂની મહેફિલમાં મસ્ત, અને પોલીસ ટ્રાફિક ડ્રાઇવમાં વ્યસ્ત!

ગૌરવ દવે/રાજકોટ :બોટાદ લઠ્ઠાકાંડ બાદ સમગ્ર ગુજરાતમાં એક જ ચર્ચા છે. સૌરાષ્ટ્રમાં શું ચાલે છે? લઠ્ઠાકાંડમાં અંદાજીત 41 કરતા વધુ લોકોનો ભોગ લેવાઈ ગયો છે. ગુજરાત પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આજે રાજકોટની ત્રણ અલગ અલગ ઘટનાથી પોલીસ સામે સવાલો થયા છે. રાજકોટના જસદણમાં વિદેશી દારૂની બોટલો સાથે ચાર યુવકો ગીત પર ઝૂમતા હોઈ તેવો વીડિયો વાયરલ થયો છે. તો બીજી તરફ રાજકોટ પોલીસ દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડા કરવાને બદલે ટ્રાફિક ડ્રાઇવ કરવામાં વ્યસ્ત છે. રાજકોટ પોલીસને જાણેકે લઠ્ઠાકાંડ અને દેશી દારૂની ચાલતી ભઠ્ઠીઓ અંગે કોઈ જ લેવા દેવા ન હોય તેમ લોકોના વાહનોમાંથી સ્ટીકરો કાઢવામાં અને લોકો પાસેથી રૂપિયા ખંખેરી દંડ વસુલ કરવામાં જ રસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. 

રાજકોટ જિલ્લાના જસદણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 4 જેટલા યુવાનો જાહેરમાં દારૂની મેહફિલ માણી રહ્યા છે. અને બેકગ્રાઉન્ડમાં 'પીલે પીલે ઓ મોરે રાજા' જેવું નશાખોરોનું પ્રિય સોંગ પણ સંભળાઈ રહ્યું છે. આ વીડિયો વાયરલ થતા હાલ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જે અંતર્ગત વીડિયોમાં દેખાઈ રહેલા ચારેય શખ્સોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. જોકે વીડિયોમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસ પૂર્ણ થયા બાદ જાણી શકાશે. 

આ પણ વાંચો : પોલીસવડા પોતાના જ અધિકારીઓને દારૂ પીતા ન રોકી શક્યા, વલસાડમાં પોલીસ પીધેલી પકડાઈ 

બીજી તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા આજે પોલીસ કમિશ્નરની કચેરી નજીક વાહન ચેકીંગ હાથ કરવામાં આવ્યું હતું. જેમાં કારનાં કાળા કાંચ દૂર કરવાની સાથે ફોર વ્હીલર અને ટુ વ્હીલર પરથી પણ POLICE, ADVOCATE, PRESS સહિતનાં લખાણો દૂર કરવામાં આવ્યા હતા. જેને લઈ બિચારા વાહન ચાલકોમાં ભારે કચવાટ જોવાયો હતો. એકતરફ શહેરમાં દેશીદારૂનાં હાટડાઓ ખુલ્લેઆમ ધમધમી રહ્યા છે. ગઈકાલે મીડિયાએ રેડ કર્યા બાદ પોલીસ તેમાં જોડાઈ હતી. જો કે ત્યારબાદ જાણે ક્યાંય દારૂ વેંચાતો ન હોય તેમ એકપણ સ્થળે ચેકીંગ સુધ્ધા કરવામાં આવ્યું નથી. ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને ઠેર-ઠેર પોલીસ દ્વારા દેશીદારૂનાં ધંધાર્થીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. જ્યારે રાજકોટ પોલીસ વાહન ચેકીંગ કરી રહી હોવાથી પોલીસ અને બુટલેગરો વચ્ચે સાંઠગાંઠ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More