Home> Gujarat
Advertisement
Prev
Next

માંગરોળ ખાતે ગુજરાતના પ્રથમ ‘ફૂડ એગ્રો ઇન્‍ફાસ્‍ટ્રકચર મેગા ફૂડ પાર્ક’નો પ્રારંભ

ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝે કેરી, દાડમ, ખારેક વગેરેમાં સુવ્‍યવસ્‍થિત આયોજન સાથે, પ્રોસેસિંગ કરીને ખેડૂતોને મૂલ્‍યવર્ધિત ઉપજ મળે એ માટે વેલ્‍યુએડીશનના મહત્‍વના કદમ ઉઠાવ્‍યા છે. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે.  

માંગરોળ ખાતે ગુજરાતના પ્રથમ ‘ફૂડ એગ્રો ઇન્‍ફાસ્‍ટ્રકચર મેગા ફૂડ પાર્ક’નો પ્રારંભ

ગાંધીનગર: મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ કેન્‍દ્ર અને રાજ્ય સરકારના સહયોગ વડે સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના શાહ ગામ ખાતે ૭૦ એકર વિસ્‍તારમાં રૂા.૧૨૦ કરોડના ખર્ચે નિર્મિત ગુજરાતના ‘ફૂડ એગ્રો ઇન્‍ફાસ્‍ટ્રકચર મેગા ફૂડ પાર્ક’ને લોકાર્પણ કરી, જગતનો તાત રૂએ દિન રાત નહી, પણ ખરા અર્થમાં જગતનો તાત બની રહે એ દિશામાં સરકાર સંકલ્‍પબદ્વ સાથે આગળ વધી રહી હોવાનું જણાવ્‍યું હતું. મુખ્‍યમંત્રીએ કેન્‍દ્રીય ફુડ ઇન્‍ડસ્‍ટ્રીઝ મંત્રી હરસિમરત કૌર બાદલ, કેન્‍દ્રીય કેન્‍દ્રિય ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિભાગના રાજયમંત્રી સાધ્વી નિરંજન જયોતિ, આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવા સાથે ફૂડ પ્રોસેસિંગ એકમની મુલાકાત લીધી હતી.

જગતના તાતની આવક બમણી કરવાના સંકલ્‍પને દોહરાવતા મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ એક વિઝન સાથે ખેડૂત સાધન-સંપન્ન બને એ દિશામાં અનેક ક્રાંતિકારી પગલાંઓ લીધા છે. ખેડૂતના પાકની જાળવણી સાથે, મુલ્‍યવૃદ્વિ, માર્કેટિંગની વ્‍યવસ્‍થા કરીને, એગ્રો પોલિસી બનાવી છે. ખેડૂતો વધુ સમૃદ્વ બને એ દિશામાં રાજય સરકાર પ્રકલ્‍પોને સાકાર કરીને, ગુજરાતની વિકાસની ગતિમાં ખેડૂતોની ભૂમિકાની મહત્તા સમજાવી હતી.

રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે અનેક કદમ ઉઠાવ્‍યા છે, દશ વર્ષમાં ૬૦૦થી વધુ કોલ્‍ડ સ્‍ટોરેજ ગુજરાતમાં છે. ફુડ ઇન્‍ડસ્‍ટ્રીઝ ક્ષેત્રે રૂા.ત્રણ હજાર કરોડનું રોકાણ થયું છે, આવનારા વાયબ્રન્‍ટ સમિટ-૨૦૧૯માં રૂા.પાંચ હજાર કરોડનું રોકાણ થશે. ગુજરાતના ખેડૂતોને સાધન સંપન્ન બનાવવાનો નિર્ધાર વ્‍યકત કરતા મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, ખેડૂતોને શુન્‍ય ટકાના દરે લોન, સિંચાઇ માટે માળખાકીય સવલતો, જયોતિગ્રામ યોજના હેઠળ ખેડૂતોને સમયસર વીજળી સાથે ગામ, શહેર, ગુજરાત સુખી સંપન્ન બને એ દિશામાં ગુજરાત દિશાસૂચક બન્‍યું છે.  ગુજરાત એગ્રો ઇન્‍ડસ્‍ટ્રીઝે કેરી, દાડમ, ખારેક વગેરેમાં સુવ્‍યવસ્‍થિત આયોજન સાથે, પ્રોસેસિંગ કરીને ખેડૂતોને મૂલ્‍યવર્ધિત ઉપજ મળે એ માટે વેલ્‍યુએડીશનના મહત્‍વના કદમ ઉઠાવ્‍યા છે. કૃષિ ક્ષેત્રમાં ક્રાંતિ લાવીને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્ર ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનશે.

કેન્‍દ્રિય ફૂડ પ્રોસેસિંગ ઇન્‍ડસ્‍ટ્રીઝના મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલે પુ. મહાત્‍મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલની પવિત્ર ધરતી સાથે પંજાબ સાથે જુનો નાતો રહયો હોવાનું જણાવ્‍યું હતું. તેમણે કહયું કે, વડાપ્રધાનના સંકલ્‍પને સાકાર કરવા ગુજરાતને રૂા.૧૨૦ કરોડ ફૂડ એગ્રો પ્રોસેસિંગ પાર્ક આપ્‍યો છે. ફુડ મંત્રાલયે રૂા.પ૦ કરોડ આપ્‍યા છે. જેના કારણે ખેડૂતોને તેની ઉપજની મુલ્‍યવૃદ્વીના કારણે આવકમાં ઉમેરો થશે, કારણે કે રો-મટીરીયલ્‍સ ખેડૂતોની ઉપજ છે. ફૂડપાર્ક થકી યુવાનો માટે રોજગારીનું પણ નિર્માણ થશે. ગુજરાતમાં બે એગ્રો પ્રોસેસિંગ ઇન્‍ડસ્‍ટ્રીઝ ફૂડ પાર્ક નિર્માણ પૈકી બીજો મહેસાણામાં બનશે. આ ઉપરાંત ગુજરાતમાં ૧૮ કોલ્‍ડ સ્‍ટોરેજ, ૧૩ ફુડ ટેસ્‍ટીંગ  લેબ, એક મીની ફૂડ પાર્ક, સાત બેકવર્ડ-ફોરવર્ડ લીંકેજનું આયોજન છે.

ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના નેતૃત્‍વ હેઠળ ઐતિહાસિક કદમ કેન્‍દ્ર સરકારે ઊઠાવ્‍યા છે, વિશ્વની ફાસ્‍ટેસ્‍ટ ગોઇંગ ઇકોનોમી સાથે ભારત દેશ આગળ વધી રહયો છે. ફુડ પ્રોસેસિંગ માટે રૂા.છ હજાર કરોડની ફાળવણી કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, કોલ્‍ડ માટે રૂા.૧૦ કરોડ, પ્રોસેસિંગ ફૂડ યુનિટ માટે રૂા.પાંચ કરોડ, મીની ફૂડ પાર્ક માટે રૂા.૩પ કરોડ અને બેકવર્ડ-ફોરવર્ડ લીંક યોજના હેઠળ નાના-મોટા ખેડૂતોને સહાય આપવામાં આવે છે, તેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કેન્‍દ્રીય ફૂડ ઇન્‍ડસ્‍ટ્રીઝના રાજયમંત્રી સાધવી નિરંજન જયોતિએ પુ. મહાત્‍મા ગાંધીજીને નમન કરીને જણાવ્‍યું હતું કે, ગુજરાત એ જ ધરતી છે. જયાં થી દેશની આઝાદીનું બ્‍યુગલ ફુંકયું હતું. એવી ધરતી પર વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના સંકલ્‍પને સાકાર કરતા રાજ્યના પ્રથમ ફૂડ પ્રોસેસિંગ પાર્કનું નિર્માણ થયું છે. ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્‍પને પૂરો કરવા આ સરકાર ઝડપથી આગળ વધી રહી છે. ફુડ પ્રોસેસિંગ ઉદ્યોગને વેગ સાથે લોકોને રોજગારીનો અવસર મળ્‍યો છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ભારતે અનેક કામયાબીઓ હાંસલ કરી છે. રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણી ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રને વેગવંતુ બનાવવા પ્રયાસ કરી રહયા છે, તે અભિનંદનને પાત્ર છે.

આદિજાતિ વિકાસમંત્રી ગણપતસિંહ વસાવાએ કેન્‍દ્ર અને રાજય સરકારને અભિનંદન પાઠવ્‍યા હતા. તેમણે જણાવ્‍યું હતું કે, રાજ્યનો પ્રથમ ફૂડ પાર્ક આદિવાસી ક્ષેત્રમાં નિર્માણ થયો છે. સુરત જિલ્લાના ખેડૂતો માટે સોનેરી અવસર આવ્‍યો છે. વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીનો વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્‍પ સાકાર થઇ રહયો છે. મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ જગતના તાતની ચિંતા કરી છે. કેન્‍દ્ર-રાજય સરકાર ખેડૂતોની હિતકારી સરકાર છે. ખેડૂતો સમુદ્વ બને તે માટે સિંચાઇ સુવિધા માટે રૂા.૪પ૦૦ કરોડ ફાળવવામાં આવ્‍યા છે, જેનું કાર્ય થઇ રહયું છે. મંત્રીએ ટેકાના ભાવની ડાંગરની ખરીદી, સિંચાઇ પિયાવાની વ્‍યાજ માફી અને નહેરોના નવીનીકરણ અંગેનો ચિતાર પણ આપ્‍યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More