Home> Gujarat
Advertisement
Prev
Next

માધવપુરમાં ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ સાથે સરકારના 4 દિવસીય સાંસ્કૃતિક મહોત્સનુ સમાપન

માધવપુરના પ્રાચીન મંદિર માધવરાયના નીજ મંદિરેથી આજે ચૈત્ર સુદ બારસના ભગવાનશ્રી કૃષ્ણની જાન નજીકના પવિત્ર લગ્ન સ્થળ મધુવનમાં ગઇ હતી. ભગવાન માધવરાયના જયઘોષ અને અબીલ-ગુલાલના રંગોત્સવ વચ્ચે શ્રદ્ધામય વાતાવરણમાં મુખ્યમંત્રીએ ભગવાનશ્રી કૃષ્ણના પ્રસંગમાં પરંપરાથી ઉજવાતા ઉત્સવમાં જોડાઇ ભાવિકોનું અભિવાદન ઝીલ્યુ હતું.

માધવપુરમાં ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગ સાથે સરકારના 4 દિવસીય સાંસ્કૃતિક મહોત્સનુ સમાપન

પોરબંદરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ માધવપુર ઘેડના મેળાના પ્રારંભે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિતના મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા બાદ આજે મેળાના ત્રીજા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પ્રસંગ-પર્વમાં ઉપસ્થિત રહી ભાવિકો સાથે શ્રદ્ધા પૂર્વક ભગવાનશ્રી કૃષ્ણની જાન યાત્રામાં જોડાઇ ધન્યતાની લાગણી અનુભવી હતી. 
    
માધવપુરના પ્રાચીન મંદિર માધવરાયના નીજ મંદિરેથી આજે ચૈત્ર સુદ બારસના ભગવાનશ્રી કૃષ્ણની જાન નજીકના પવિત્ર લગ્ન સ્થળ મધુવનમાં ગઇ હતી. ભગવાન માધવરાયના જયઘોષ અને અબીલ-ગુલાલના રંગોત્સવ વચ્ચે શ્રદ્ધામય વાતાવરણમાં મુખ્યમંત્રીએ ભગવાનશ્રી કૃષ્ણના પ્રસંગમાં પરંપરાથી ઉજવાતા ઉત્સવમાં જોડાઇ ભાવિકોનું અભિવાદન ઝીલ્યુ હતું. મુખ્યમંત્રીએ ભગવાનશ્રી માધવરાય અને રૂક્ષમણીજીના દર્શન કરી માધવપુરના તેમજ દૂર-દૂરથી આવેલા પ્રવાસીઓ- ભાવિકોને દ્વારકાધીશના પવિત્ર પરિણય પ્રસંગે શુભકામના પાઠવી હતી. 
    
આ પ્રસંગ બાદ મેળા ગ્રાઉન્ડમાં ગુજરાત સરકારના રમતગમત-યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ આયોજિત સાંસ્કૃતિક મહોત્સવના અંતિમ દિને ભાવિકોને શ્રદ્ધા પૂર્વક જણાવ્યુ હતું કે, માધવપુર ઘેડનો મેળો ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજીના વિવાહ પ્રસંગપર્વનો પરંપરાગત મેળો હોવાની સાથે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ને ઉજાગર કરે છે. 
    
મુખ્યમંત્રીએ ગૌરવ જણાવ્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશની સાંસ્કૃતિક વિરાસતો અને તેના મહાત્મય નવી પેઢીને ગૌરવ ગાથાઓથી સિંચિત કરી રહી છે. રાણી રૂક્ષમણી ભારતના ઉતરપૂર્વીયના હતા અને ભગવાનશ્રી કૃષ્ણ રૂક્ષમણીજીને ગુજરાતના દરિયા કાંઠે માધવપુરમા પધારી પવિત્ર લગ્ન કર્યા હતા. આ હજારો વર્ષોની પરંપરા માધવપુરમાં ભગવાનના લગ્નને પ્રસંગ તરીકે ઉજવી દર વર્ષે લોકમેળો ઉજવાય છે. આ લોકમેળો પીએમ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમના સાસ્કૃતિક જોડાણથી રાષ્ટ્રીય ફલક ઉપર સાંસ્કૃતિક વિરાસત બન્યો છે. 
    

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યુ કે, ઉત્સવો અને મેળાઓ એ આપણી સંસ્કૃતિની આગવી ઓળખ છે. આ ઉત્સવો આપણને અને આપણા દેશને એક તાંતણે બાંધે છે. વૈવિધ્યસભર સંસ્કૃતિએ મેળાની ભેટ છે. મેળાઓ અને ઉત્સવો આપણા ધબકારને જીવંત રાખે છે. પીએમ નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કલા અને સાંસ્કૃતિક ઉત્સવોને વૈશ્વિક નકશામાં અંકીત કરીને લોકો સમક્ષ ઉજાગર કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનુ સપનુ સાકાર થઇ રહ્યું છે. ગુજરાતની ધરતીમાં ભાતીગળ મેળાઓનો સમૃદ્ધ વારસો છે તેમ જણાવીને ગુજરાતની વિવિધ મેળાઓનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને ઇન્ટરનેટ પર પ્રાચિન સ્થળો સર્ચ કરવાના બદલે પ્રવાસ કરીને આ વૈવિધ્યસભર સંસ્કૃતિ માણવા આહવાન કર્યુ હતું.
    
આસામના મુખ્યમંત્રી ડૉ. હેમંત બિસ્વા સરમાએ તેના પ્રવચનના પ્રારંભે ગુજરાતીમાં બોલીને માધવપુરના મેળામાં મહેમાન બનવા અંગે ધન્યતાની લાગણી વ્યક્ત કરી જણાવ્યુ હતુ કે, આસામ અને ગુજરાત વચ્ચે ૩ હજાર કી.મી.નુ ભલે અંતર હોય પરંતુ બંને રાજ્ય સંસ્કૃતિ, ઇતિહાસ અને પ્રાચિન સાહિત્ય અને કથાઓમાં એક તાંતણે બંધાયેલા છે. તેમણે કહ્યુ કે, ઉત્તર-પૂર્વની રાજકુમારી રૂક્ષમણીના લગ્ન માધવપુરમાં થયા તે આ બંને સંસ્કૃતિને જોડે છે પરંતુ મને ગર્વ થાય છે કે, ભગવાનશ્રી કૃષ્ણના પૌત્ર અનીરૂદ્ધએ આસામની પુત્રી ઉષા સાથે કર્યા હતા. તેઓએ ૧૪ અને ૧૫મી સદીના ભક્તિ આંદોલનનો ઉલ્લેખ કરી કહ્યુ કે, નરસિંહ મહેતા ગુજરાતમાં ભગવાનશ્રી કૃષ્ણની ભક્તિના માર્ગે રચનાઓ લખી સાહિત્યનો વારસો આપી રહ્યા હતા ત્યારે અમારા આસામમાં શંકર દેવ પણ તેમના સમકાલીન હતા. 

આ પણ વાંચોઃ ભાવનગરમાં અનેક હેરિટેજ સ્મારકોની જર્જરીત હાલત, તંત્ર દ્વારા જાળવણીનો અભાવ

તેઓએ ગુજરાતના દ્વારકા સહિતના વિસ્તારોની આઠ મહીના સુધી યાત્રા કરી હતી. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ, મોરારજી દેસાઇ, નરેન્દ્રભાઇ મોદી અને અમિતભાઇ શાહની આ ભૂમિ છે તેમ જણાવી તેઓએ કહ્યુ કે, ગુજરાત અને આસામ ભાવનાત્ક રીતે જોડાયેલા છે. આઝાદીની ચળવળથી માંડીને ૫૦૦ થી ૬૦૦ વર્ષ દરમ્યાન બંને રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિ સમન્વયની અનેક કથાઓનો ઉલ્લેખ કરીને હાલ આસામ સહિતના રાજ્યોમાં થયેલા વિકાસની વાત કરી ગુજરાતના લોકોને આસામનો પ્રવાસ કરવા આમંત્રણ આપ્યુ હતું. 
    
કેન્દ્રીય શિક્ષણ અને વિદેશ રાજ્ય મંત્રી રાજકુમાર રંજને જણાવ્યુ કે, ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહ પૂર્વોતરના રાજ્યોના સાંસ્કૃતિ જોડાણનું પ્રતીક છે. માધવપુરનો આ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની સંકલ્પનાને આગળ વધારવા માટેનો વાહક છે. તેમણે ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં આત્મ નિર્ભર ભારતની સંકલ્પના સાકાર થઇ રહી છે. 
    
આ ભવ્ય મેળાના આયોજન માટે ગુજરાત સરકાર અને પ્રવાસન વિભાગનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે આ મેળામાં ઉપસ્થિત રહેવાની તક મળી તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. માધવપુરના લોકોને મેળો ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પ્રસંગના અભિનંદન પાઠવ્યા હતા. 
    
આ પ્રસંગે કેન્દ્રીય પટ્રોલીયમ અને નેચરલ ગેસ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ માધવપુરના મેળામાં સહભાગી થવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી ગુજરાત સરકાર દ્વારા આયોજિત સાંસ્કૃતિક મહોત્સવના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. મંત્રીએ જણાવ્યુ કે, પીએમ નરેન્દ્રભાઇના નેતૃત્વમાં દેશનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. તેઓએ શ્રમિકોના કલ્યાણ માટેની યોજનાઓમાં પેન્શનની જોગવાઇ પણ કરવામાં આવી છે તેમ જણાવ્યુ હતું. તેઓએ માધવપુરના મેળામાં એકતા અને દેશના સાંસ્કૃતિક સમન્વયો છે તેમ જણાવી માધવપુરના મેળામાં ભક્તોને આજના પર્વની શુભકામના પાઠવી હતી. 
    
આ પ્રસંગે લોકમેળા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ ભારતીય સંસ્કૃતિના જુદા-જુદા કાળમાં ધર્મનું સ્થાપન કરનાર રામ, કૃષ્ણ સહિત મહાનવિભૂતિઓને યાદ કરીને કહયું કે, ભારતની આ ભૂમિ ભવ્ય આદ્યાત્મિક વારસો ધરાવે છે. માધવપુરમાં ભગવાનના વિવાહ થયા તેના પ્રસંગો કહી ઉત્તર-પૂર્વ અને ગુજરાતની સંસ્કૃતિના જોડાણની મહતા જણાવી હતી.

આ પણ વાંચોઃ જનતાને વધુ એક ઝટકો, હવે ગુજરાત ગેસે સીએનજીના ભાવમાં કર્યો વધારો 

પીએમ નરેન્દ્રભાઇ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરવા આજે અહીં ઉત્તર-પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનુ સમન્વય જોવા મળી રહયું છે. ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષમણીજી માધવપુરની આ પવિત્ર ભૂમિમાં લગ્ન ગ્રંથીથી જોડાઇને ઉત્તર-પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિનુ જોડાણ કર્યુ છે. ગુજરાતના સાંસ્કૃતિ અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ લોકમેળામાં ફક્ત ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ અહીં આવીને પ્રાચીન સંસ્કૃતિનુ મીઠુ ભાથુ ભરી જાય છે.
    
શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું કે, સૌરાષ્ટ્રની ભૂમિ આગતા-સ્વાગતા માટે આગવી ઓળખ ધરાવે છે. આસામના મુખ્યમંત્રી સહિત કેન્દ્રીય મંત્રીઓને આવકારી મંત્રીશ્રીએ માધવપુરના મેળામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના લગ્નના પાવન પર્વમાં ઉજાગર થઇ રહેલી સંસ્કૃતિ અને દિવ્યતા જણાવી ભાવિકોને શુભકામના પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીએ આસામના મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિ ભેટ આપી હતી. ગુજરાતના મંત્રીઓએ કેન્દ્રીય મંત્રીઓને આવકાર્યા હતા. કલેક્ટર અશોક શર્માએ અંતમાં સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્ટેજ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ઉત્તર-પૂર્વ ભારતમાંથી આવેલા કલાકારોની કલાસભર કૃતિ નિહાળી હતી. કૃષ્ણ વિવાહ પ્રસંગ સાથે ગુજરાત સરકારના રમતગમત-યુવા સાંસ્કૃતિક પ્રવાસન વિભાગ આયોજિત સાંસ્કૃતિક મહોત્સવનું સમાપન થયુ હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More