Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: મેળામાં અધવચ્ચે રાઈડ અટકી જતા 14 બાળકો સહિત 29 લોકો ફસાયા

વલ્લભ સદન રિવર ફ્રન્ટ પાસે ફન પાર્કનું આયોજન થયેલું હતું. જેની એક રાઈડમાં બેસવાનો અનુભવ કેટલાક લોકો માટે ખુબ ભયાનક રહ્યો.

અમદાવાદ: મેળામાં અધવચ્ચે રાઈડ અટકી જતા 14 બાળકો સહિત 29 લોકો ફસાયા

મૌલિક ધામેચા, અમદાવાદ: વેકેશન ગાળામાં લોકો બહાર હરવા ફરવાનો આનંદ લેતા હોય છે. ફન ફેર કે આનંદમેળામાં જઈને રાઈડ્સની મજા માણતા હોય છે. જો કે આવી જ એક આનંદ મેળાની મજા લેવા જતા લોકોના જીવ ઊંચા થઈ ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના રિવર ફ્રન્ટ નજીક વલ્લભ સદન પાસેના ફન પાર્કમાં 29 જેટલા લોકો રાઈડમાં ફસાઈ ગયા. જેમાં 14 બાળકો હતાં જ્યારે 7 પુરુષો અને 8 મહિલાઓ સામેલ હતાં. ફાયરની ગાડી ઘટના સ્થળે પહોંચી અને બચાવની કામગીરી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ વલ્લભ સદન રિવર ફ્રન્ટ પાસે ફન પાર્કનું આયોજન થયેલું હતું. જેની એક રાઈડમાં બેસવાનો અનુભવ કેટલાક લોકો માટે ખુબ ભયાનક રહ્યો. રાઈડની કેપેસિટી 32 હતી અને તેમાં 40 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં. રાઈડ અચાનક બંધ થઈ જતા લોકોના જીવ ઊંચા થઈ ગયા હતાં. ફાયરની ગાડી ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાઈડમાં બાળકો પણ હતાં. જેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યાં છે. મળતી માહિતી મુજબ કોઈ જાનમાલની હાનિ થઈ નથી.  રાઈડ ઉપર જતા જ અટકી ગઈ હતી. 

જુઓ LIVE TV

ઝી 24 કલાક પર અમદાવાદના કલેક્ટર વિક્રાંત પાંડેએ નિવેદન આપતા કહ્યું કે મેળાના સંચાલક અંગે સંપૂર્ણ માહિતી મેળવવામાં આવી રહી છે. મેળાના સંચાલક સામે કાર્યવાહી થશે. તેમણે કહ્યું કે રાઈડમાં ફસાયેલા તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવાયા છે. તમામ બાબતોની ચકાસણી થશે. હાલ તો જો કે આ ફન પાર્ક બંધ કરી દેવાયું છે. ટેક્નિકલ કારણોની ચકાસણી થશે અને સર્ટિફિકેટ અપાશે  પછી તે ચાલુ કરાશે ત્યાં સુધી સીલ મારી દેવાયું છે. મેળાના આયોજક મુકેશ સોની સામે પોલીસે જાણવા જોગ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. રાઈડ કયા કારણસર બંધ થઈ હતી તેનું એનઓસી ફાયર બ્રિગેડ પાસેથી મેળવાશે અને તે પછી ચાલુ કરાશે. 

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More