Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં મેઘરાજાનો ફરી એક 'ઘાતક સ્પેલ' શરૂ; જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?

Gujarat Monsoon 2023: ગુજરાતમાં બે નવી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. જેના પગલે જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી-નાળા છલકાયા છે. ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા અને ભરૂચના કેટલાક ગામડોઓને એલર્ટ અપાયું છે. લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. 

ગુજરાતમાં મેઘરાજાનો ફરી એક 'ઘાતક સ્પેલ' શરૂ; જામ્યો વરસાદી માહોલ, જાણો ક્યા કેટલો વરસાદ પડ્યો?

Gujarat Monsoon 2023: સમગ્ર ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રાજ્યમાં અનેક જગ્યાએ વરસેલા સાંબેલાધાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો હજુ પણ રાજ્યમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આવતીકાલે પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તો મંગળવારે ગાંધીનગર, સુરેન્દ્રનગર અને દ્વારકામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે...વરસાદની સાથે પવનની પણ ગતિ વધુ રહેવાનું અનુમાન લગાવાયું છે.

સવારથી અત્યાર સુધીમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડ્યો છે. આ સિવાય ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં ધોધમાર વરસાદ પડ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવાયા છે. બીજી બાજુ થોડા વરસાદમાં જ અમદાવાદ શહેર પાણી પાણી થયું છે. અસારવા, જીવરાજપાર્ક, ઘાટલોડિયા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

અમદાવાદ પાણી પાણી!
સમગ્ર ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે મહાનગર અમદાવાદમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા હતા...જેના કારણે તંત્રના કામની પોલ ખુલી ગઈ હતી...શહેરના અનેક વિસ્તારો જળમગ્ન બની જતાં વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો...દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ડમરુ સર્કલથી SG હાઈવે તરફના રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા...તો ચાણક્યપુરી, મીઠાખળી અંડરપાસ, સી.એન.વિદ્યાલય ચાર રસ્તા, માણેકબાગ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા...લાંબા સમય પછી અમદાવાદીઓને વરસાદને કારણે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો..

મહીસાગર કડાણા ડેમના દરવાજા ખોલાયા
રાજ્યના ત્રીજા સૌથી મોટા અને અનેક જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ. મહીસાગરના કડાણા ડેમની જળસપાટી 415 ફુટથી ઉપર પહોંચતા ડેમના 14 દરવાજા ખોલી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું હતું. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ડેમ છલકાઈ ગયો હતો, અને ડેમના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા હતા. નદીમાં પાણી છોડવામાં આવતા કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા સુચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા પણ સતત ડેમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ ડેમમાં પાણીની સારી આવક થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાઈ ગયો છે. મહીસાગર સહિત 9 જિલ્લાના ખેડૂતોને આ ડેમમાંથી પાણી આપવામાં આવે છે જેના કારણે ખેડૂતો હાલ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. આ તરફ ડેમના કાર્યપાલક ઈજનરે કહ્યું છે કે ઉપરવાસમાંથી પાણી આવક સતત ચાલુ હોવાથી વધુ દરવાજા ખોલવાની પણ ફરજ પડી શકે છે.

નર્મદા નદી ગાંડીતૂર
સરદાર સરોવર નર્મદા ડેમ ઓવરફ્લો થતાં નર્મદા નદી ગાંડીતૂર બની છે. ડેમના 23 દરવાજા ખોલવામાં આવતા નદીમાં ઘોડાપુરની સ્થિતિનું નિર્માણ થયું છે. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાને સૌથી વધારે અસર થઈ છે. ભરૂચ ગોલ્ડન બ્રિજ પાસે નદીની જળ સપાટી 31 ફૂટ પહોંચી છે. જેના કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદના પણ અનેક વિસ્તારોમાં નદીના પાણી ભરાઈ ગયા છે. પાણીની આવક વધતા કરજણના પુરા ગામના તમામ લોકોને અન્ય સ્થળે સ્થળાંતર કરાયા છે. તો આલમપુરા, લીલીપુરા, દિવાબેટ જેવા ગામોના લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે. કરજણના નર્મદા કાંઠા વિસ્તારમાં રહેતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. કરજણના કોઠીયા ગામે નર્મદા નદી ગાંડીતૂર બનતા માછીમારની નાવડી પલટી હતી. આ હોડીમાં બે લોકો સવાર હતા. જેમાં બેમાંથી એક લાપતા છે. જ્યારે કરજણના રણાપુર ગામે બે ઘોડા નર્મદા નદીના પાણીમાં તણાયા છે. કરજણના રણાપુર ગામે નદી કિનારે આવેલા આશ્રમોમાંથી 150 જેટલા લોકોનું સ્થળતાંર કરાવવામાં આવ્યું છે. 

શિનોરમાં નુકસાન
રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ છલકાયો પરંતુ ડેમના દરવાજા ખોલાતા અનેક લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. નદીના પાણી વડોદરાના શિનોર તાલુકાના 22 ગામમાં ઘૂસી જતાં અનેક રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જિલ્લાના બરકાલ, ઝાંઝડ, અંબાલી, નંદેરિયા, દરિયાપુરા અને ભીમપુરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. તો ખેતરોમાં પાણી ઘૂસી જતાં કેળ, કપાસ, દિવેલા, પરવળ અને કંટોડાના પાકને નુકસાન થયું છે.

પંચમહાલમાં સૌથી મોટું રેસ્ક્યૂ ઓપરેશન
આજે વરસેલા ભારે વરસાદથી અનેક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. પંચમહાલ જિલ્લામાં સૌથી મોટું રેસક્યુ ઓપરેશન હાથ ધરી 100 જેટલા શ્રમિકોને બચાવવામાં આવ્યા હતા. મોરવા હડફના નાટાપુર પાસે ભારત માલા પ્રોજેક્ટમાં કામ કરતા ફસાયેલા શ્રમિકોને વહીવટી તંત્ર, પોલીસ અને ફાયરબ્રિગેડે રેસક્યુ કરીને બચાવ્યા હતા. જીવ સટાસટનું આ ઓપરેશન કરી તમામ શ્રમિકોને હાલ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ભરૂચમાં છાપરા પાટિયા ખેતર રેસ્ક્યૂ
નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ જિલ્લામાં સૌથી વધારે અસર પહોંચી છે. ભરૂચના છાપરા પાટિયા વિસ્તારના ચારે બાજુ પાણીને કારણે વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે. ગામની સાથે ખેતરો પણ પાણી પાણી થઈ ગયા છે.  આ વિસ્તારના એક ખેતરમાં બે લોકો પાણીનો પ્રવાહ વધતાં ફસાઈ ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે વૃક્ષ પર ચડી ગયા હતા. જો કે તંત્ર દ્વારા આ બન્ને લોકોને હોડીમાં રેસક્યુ કરી બચાવી લેવામાં આવ્યા હતા. બીજી તરફ ખેતરમાં જળબંબાકાર થઈ જતાં ખેડૂતોનો મહામૂલો પાક નષ્ટ થયો છે. કેળા અને શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. તો કાંઠા વિસ્તારમાં રહેતા અનેક લોકોને સ્થળાંતર પણ કરવાનો વારો આવ્યો છે.

મહીસાગર નદી બ્રિજ પાણીમાં ગરકાવ
મહીસાગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ અને કડાણા ડેમમાંથી પાણી છોડાતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે. નદીનું સ્વરૂપ કેટલું રૌદ્ર છે? નદીમાં સતત પાણીનો ધસમસતો પ્રવાહ આવી રહ્યો છે અને તેના કારણે એક બ્રિજ ગરકાવ થઈ ગયો છે. જિલ્લાના મલેકપુર અને ખાનપુરના ભાગલ્યાને જોડતો તાતરોલી બ્રિજ પાણી પર તરતો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કડાણા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે અને તેના કારણે હજુ પણ વધુ પાણી નદીમાં છોડવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે કાંઠા વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ હજુ પણ વિકટ બને તેવું લાગી રહ્યું છે. હાલ તાતરોલી બ્રિજ પાણીમાં ગરકાવ થતાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

છોટાઉદેપુર આફતનો વરસાદ
મધ્યગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં અવિરત વરસાદને કારણે જળબંબાકાની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાની અનેક નદીઓ બે કાંઠે વહેલા લાગી છે તો કોઝ-વે ડૂબી જતાં ગ્રામ્ય વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો છે. આ દ્રશ્યો ભારજ નદી પર બનેલા બેસી ગયેલા પુલના છે. પુલ બેસી જતાં અવર-જવર બંધ કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે 18 રસ્તા બંધ કરાયા છે. તો દેવલિયા ગામમાં પ્રવેશવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગામ લોકોને હાલ 30થી 40 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. ઝી 24 કલાકની ટીમ પણ દેવલિયા પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More