Home> Gujarat
Advertisement
Prev
Next

નવી સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા, મંત્રીઓ માટે બનાવ્યા કડક નિયમો

CM Bhupendra Patel New Rules : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓ માટે બનાવ્યા નિયમો.... નવી સરકારમાં મુખ્યમંત્રીએ કડક નિયમોની કરી શરૂઆત... હવેથી માત્ર સોમવારે સામાન્ય મુલાકાતીઓ માટે સમય ફાળવશે
 

નવી સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા, મંત્રીઓ માટે બનાવ્યા કડક નિયમો

Gandhinagar News બ્રિજેશ દોશી/ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મળેલી કેબિનેટ બેઠકમાં મંત્રીઓ માટે કડક નિયમોની જાહેરાત કરી. જેમાં મંત્રીઓએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. વિભાગોની ફાળવણી બાદ આજે પહેલી કેબિનેટ બેઠક હતી. જેમાં મુખ્યમંત્રીએ પોતાના સાથી મંત્રીઓ માટે કેટલાક નિયમોનું પાલન ફરજીયાત કરાવ્યું છે, જે આગામી સોમવારથી લાગુ પડશે.

શું છે નિયમો 
મંત્રીઓએ સોમવારે સામાન્ય મુલાકાતી માટે દિવસ ફાળવવાનો રહેશે. પહેલા પણ આ નિયમ હતો પણ તેનું પાલન નહોતું થતું
મંગળવારે ફક્ત ધારાસભ્યો અને તેમની સાથેના રજૂઆત કરનારા ને જ મળી શકાશે
મુલાકાતીઓ મંત્રીઓની ચેમ્બરમાં મોબાઈલ નહીં લઈ જઈ શકે 
મંત્રીઓએ ફરજીયાત શુક્રવાર સાંજ સુધી મંત્રાલયમાં રહેવું પડશે 
તેમના વિભાગોની સમીક્ષા બેઠક અને કામગીરી માટે અલગ સમય ફાળવવાનો રહેશે
બુધવારે કેબિનેટ બાદ મંત્રીઓ મુખ્યમંત્રીને મળી શકશે 
ઈમર્જન્સી સિવાય મુખ્યમંત્રી સાથેની મુલાકાતો પર રોક લગાવવા નિર્ણય 

આમાંથી કેટલાક નિયમો વર્ષોથી અમલમાં હતા પરંતુ ગત ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુલાકાતીઓ માટે સચિવાલયના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હતા. જેના કારણે મુલાકાતીઓનો સતત ધસારો જોવા મળ્યો હતો. આ ભીડના કારણે મંત્રીઓ પોતાના કામ પર પૂરતું ધ્યાન આપી ન શક્યાની પણ ફરિયાદો મળી હતી. ખુદ મુખ્યમંત્રી પણ પોતાના વિભાગો પ્રત્યે પૂરું ધ્યાન આપી શક્યા નહોતા. જેના લીધે આ વખતે શરૂઆતથી જ તકેદારી રાખવામાં આવી છે અને મંત્રીઓને પણ તેની જાણ આજે કરી દેવામાં આવી છે. 

ઐતિહાસિક જીત મળ્યા બાદ પ્રજા લક્ષી કામો થવા જરૂરી છે અને સંકલ્પ પત્રમાં કરેલા સંકલ્પો પણ ઝડપથી પૂર્ણ થાય તે માટે મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને ટાર્ગેટ આપ્યો છે. આગામી 100 દિવસનો રોડ મેપ તૈયાર કરીને મંત્રીઓ ઝડપથી કામે લાગે તે માટે સચિવોને પણ સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વખતે મંત્રીઓને મુલાકાત માટે પણ નિયમ બનાવ્યો છે, જેમાં દરેક કેબિનેટ બાદ તેઓ મંત્રીઓ માટે સમય ફાળવશે. મંત્રીઓ એક દિવસ સીધી મુલાકાત કરી શકે તે માટે આ નિર્ણય કરાયો છે. આ ઉપરાંત મંત્રીઓએ ઈમર્જન્સી સિવાય મુખ્યમંત્રીને મળવા માટે અથવા કોઈ રજૂઆત માટે અલગથી જાણ કરવાની રહેશે. જેથી મુખ્યમંત્રીની કામગીરીમાં અવરોધ ન આવે. ગત દોઢ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ને આવા અવરોધો ખૂબ સહન કરવા પડ્યા હતા જેના કારણે તેઓ પોતાની કામગીરી સમયસર પૂર્ણ કરી શકતા નહોતા. 

આ વખતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલેથી જ મંત્રીઓને નિયમો સમજાવી તેનું પાલન કરવા સૂચના આપી છે અને આગામી સોમવારથી તેનો અમલ પણ થઈ જશે ત્યારે મુખ્યમંત્રીની આ સૂચનાનો કોણ કેટલો અમલ કરશે તે જોવાનું રહેશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More