Home> Gujarat
Advertisement
Prev
Next

બિલકિસના દોષિતોને જેલ મુક્તિની ઉજવણી ભારે પડી! 'અમૃતકાળ' પુરો, ફરી થશે જેલભેગા

Bilkis Bano case : બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આજે આપેલાં ચુકાદાથી ગુજરાત સરકારને મોટો ઝટકો. બિલકિસના તમામ દોષિતો ફરી જેલમાં જશે. અમૃતકાળમાં થયેલી જેલમૂક્તિ વખતે કરાયેલી ઉજવણી પણ ભારે પડી.

બિલકિસના દોષિતોને જેલ મુક્તિની ઉજવણી ભારે પડી! 'અમૃતકાળ' પુરો, ફરી થશે જેલભેગા

Bilkis Bano case : બિલકિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે આજે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં સુપ્રીમ કોર્ટ તરફથી ગુજરાત સરકારનો મોટો ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે બિલકિસના તમામ 11 દોષિતોને ગુજરાતે આપેલી સજા માફી રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને પગલે બિલકિસના દોષિતોનો 'અર્મૃતકાળ' પુરો, તમામ દોષિતો ફરી થશે જેલભેગા. બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. 

બિલકિસ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો છે. ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય. ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમે કાયદાકીય દૃષ્ટિકોણથી મામલાની તપાસ કરી છે. અમે પીડિતાની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે. આ મામલે જે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તે સાંભળવા યોગ્ય છે કે નહીં તે અંગે અમે કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી.
 

 

સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે. કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે. SCએ કહ્યું, મહિલા સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગુજરાત સરકારને દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય લેવાનો કોઈ અધિકાર નથી. તે ગુનેગારોની સજા કેવી રીતે માફ કરી શકે? જો સુનાવણી મહારાષ્ટ્રમાં થઈ છે, તો ત્યાંની રાજ્ય સરકારને તેના પર સંપૂર્ણ અધિકાર છે. કારણ કે જે રાજ્યમાં કોઈ ગુનેગાર પર કેસ ચલાવવામાં આવે છે અને સજા થાય છે, માત્ર તેને જ ગુનેગારોની માફીની અરજી પર નિર્ણય લેવાનો અધિકાર છે.

ઉલ્લેખનીય છેકે, બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને અપાયેલી માફી મુદ્દે સુપ્રીમ કોર્ટે અગાઉ પણ ગુજરાત સરકારનો ઉધડો લીધો હતો. ઓગસ્ટ 2023માં આ કેસ અંગે ચાલતી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર સામે આ સવાલ ઉઠાવ્યાં હતાં. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પર સવાલ ઉઠાવતાં તે સમયે પણ પૂછ્યું હતું કે, દોષિતોને માફી આપવામાં સેલેક્ટીવ વલણ કેમ? તે સમયે પણ બેંચે કહ્યું હતુંકે, બેંચે સુનાવણી દરમિયાન કહ્યું- ગુનાને રોકવા માટે સજા આપવામાં આવે છે. 

​​​​​બિલકિસ બાનો કેસની સુપ્રીમમાં સુનાવણી કરી હતી. બિલકિસ બાનો ગેંગરેપ કેસમાં 11 દોષિતોની સમય પહેલા મુક્ત કરવા મામલે સુપ્રીમ કોર્ટ આજે (8 જાન્યુઆરી) પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેંચે આ કેસની સુનાવણી કરી હતી. બેન્ચે તેનો નિર્ણય 12 ઓક્ટોબર 2023 માટે અનામત રાખ્યો હતો. બિલકિસ બાનોએ 30 નવેમ્બર 2022ના રોજ 11 ગેંગરેપ દોષિતોની મુક્તિ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં બે અરજી કરી હતી. 11 દોષિતોની મુક્તિને પડકારતી પ્રથમ અરજીમાં તેમને તાત્કાલિક જેલમાં ધકેલવાની માંગ કરવામાં આવી હતી.

આ સાથે જ બીજી અરજીમાં સુપ્રીમ કોર્ટ દ્વારા મે મહિનામાં આપેલા આદેશ પર પુનર્વિચાર કરવાની માંગ કરવામાં આવી છે, જેમાં કોર્ટે કહ્યું હતું કે ગુનેગારોને મુક્ત કરવાનો નિર્ણય ગુજરાત સરકાર લેશે. બિલકીસે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રમાં કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર કેવી રીતે નિર્ણય લઈ શકે છે? બિલકિસ દ્વારા અરજી દાખલ કરવામાં આવે તે પહેલા એક સામાજિક કાર્યકર્તાએ આ કેસમાં અરજી દાખલ કરી હતી. બિલકિસની અરજી બાદ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું હતું - આ મામલામાં દાખલ તમામ પિટીશન પર વહેલીતકે સુનાવણી થશે.

બિલકિસે સુપ્રીમ કોર્ટમાં બંને અરજીઓ પર વહેલી સુનાવણીની માંગ કરી હતી. આ કેસના તમામ 11 દોષિતોને 15 ઓગસ્ટ 2022ના રોજ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે આ તમામ આરોપીઓએ જેલમૂક્તિ બાદ જેલની બહાર નીકળીને મોટાપાયે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. એક પ્રકારે કોઈ મોટી યુદ્ધ જીતીને આવ્યાં હોય કે કોઈ ખુબ સારું કામ કરીને આવ્યાં હોય એવી રીતે આ ગુનેગારોએ અને તેમના પરિવારોએ ધામધૂમથી આ ઉજવણી કરી હતી.

આખરે શું છે આ બિલકિસ બાનો કેસ?
3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલકીસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલકીસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલકીસ 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. બિલકીસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય ત્રણ મહિલાઓ પર પણ બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More