Home> Gujarat
Advertisement
Prev
Next

આજે મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આરસી પાટીલની અધ્યક્ષતામાં પ્રથમવાર પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક યોજાવાની છે. બેઠકમાં સીએમ, ડેપ્યુટી સીએમ પણ હાજર રહેશે. 

આજે મળશે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક, આ મુદ્દે થશે ચર્ચા

બ્રિજેશ દોશી/અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના નવા અધ્યક્ષ  બન્યા બાદ સીઆર પાટીલની અધ્યક્ષતામાં આજે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની પ્રથમ બેઠક યોજાવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત પાર્લામેન્ટ્રી બોર્ડના તમામ સભ્યો હાજર રહેવાના છે. આ બેઠકમાં  સંગઠન અને પાર્ટીની આગામી રણનીતિઓ વિશે ચર્ચા થવાની છે. મહત્વનું છે કે જીતુ વાઘાણી બાદ પ્રમુખ પદ  સંભાળનાર સીઆર પાટીલની અધ્યક્ષતામાં આ પ્રથમ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક  મળશે.

નપાના પ્રમુખો-ઉપપ્રમુખો પર ચર્ચા
ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસીય  બેઠક આજથી પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શરૂ થવાની છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાનારી આ બેઠકમાં જે નગરપાલિકામાં અઢી વર્ષ પૂર્ણ થઈ ગયા છે, તેવી નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખોને લઈને ચર્ચા થવાની છે. બેઠકમાં પ્રમુખો-ઉપપ્રમુખોના નામ નક્કી કરવામાં આવી શકે છે. આ સિવાય બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ, 8 વિધાનસભા પર યોજાનારી પેટાચૂંટણી તથા સંગઠનને લઈને મહત્વની ચર્ચા કરવામાં આવશે. 

દક્ષિણના નેતા સીઆર પાટીલનો સૌરાષ્ટ્રમાં પહેલો રાજકીય પ્રવાસ સંગઠનમાં કેવા બદલાવ લાવશે?

પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસીય બેઠક બાદ પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે
ભાજપના નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પાર્લામેન્ટ્રી બોર્ડની બે દિવસીય બેઠક પૂર્ણ કર્યા બાદ 19 ઓગસ્ટથી સૌરાષ્ટ્રના પ્રવાસે જવાના છે. સી.આર.પાટીલ 19 ઓગસ્ટ 2020, બુધવારે સવારે 8.00 કલાકે સાસણગીર ખાતેથી રેલી નીકળશે. સવારે ૯:00 વાગ્યે તેઓ સોમનાથ મંદિર પહોંચશે. ભગવાન સોમનાથ મહાદેવના દર્શન કરીને તેમના સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત કરશે. સોમનાથ ખાતે તેઓ ગીર સોમનાથ જિલ્લાના સંગઠનના વિવિધ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. સોમનાથથી વેરાવળ, કેશોદ, વંથલી, ગાંઠીલા ઉમિયાધામ મંદિરે દર્શન કરી તેઓ જૂનાગઢ શહેર પહોંચશે. સમગ્ર રૂટ દરમિયાન નિર્ધારિત કરેલ સ્થળોએ કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. જૂનાગઢ શહેર સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે.

તારીખ ૨૦ ઓગસ્ટના રોજ સવારે પ્રદેશ અધ્યક્ષની અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લા સંગઠનની બેઠક યોજાશે. તેઓ જુનાગઢથી જેતપુર થઈ ખોડલધામ દર્શન કરી ગોંડલ થઈને રાજકોટ પહોંચશે. જ્યાં રાજકોટ શહેરના કાર્યકર્તાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. તારીખ 21 ઓગસ્ટના રોજ તેઓ તબક્કાવાર રીતે રાજકોટ જિલ્લા અને શહેરના સંગઠનના હોદ્દેદારઓ અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજશે. 22 ઓગસ્ટ ૨૦૨૦, શનિવારે પ્રદેશ તેઓ ઝાંઝરકા થઇ સવઘણ મંદિરે દર્શન કરી ધંધુકા પહોંચશે. જ્યાં ભાજપાની વિચારધારાને દાયકાઓ સુધી વરેલા રહેનાર, ભાજપાના અદના કાર્યકર્તા સ્વ.જગદીશભાઈ સોનીના પરિવાર સાથે તેમના નિવાસસ્થાને મુલાકાત કરશે. બાવળા, બગોદરા ખાતે પણ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત અને અભિવાદન કરવામાં આવશે જ્યાંથી તેઓ સુરત માટે રવાના થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More