Home> Gujarat
Advertisement
Prev
Next

ચૈતરને 13 ટકા મત : 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝીટ ગુલ, AAP કઈ રીતે જીતશે આ બેઠક?

AAP-Congress Alliance : ચૈતર વસાવા ભલે અહીં મોદીને હરાવવા ના દાવા કરી રહ્યાં હોય પણ અહીં તેમના માટે પણ જીતવું સરળ નથી. કોંગ્રેસનો અહીં દબદબો છે પણ અહેમદ પટેલના પરિવારના બળવા વચ્ચે કોંગ્રેસ અહીં સપોર્ટ કરે તેવી સંભાવના બિલકુલ ઓછી છે

ચૈતરને 13 ટકા મત : 7માંથી 4 વિધાનસભામાં આપની ડિપોઝીટ ગુલ, AAP કઈ રીતે જીતશે આ બેઠક?

Gujarat Politics : ગુજરાતમાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન એટલે લંગડા આંધળાની જુગલ જોડી કહીને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે આ બંને સીટો જીતવાનો દાવો કર્યો છે ત્યારે આપના પ્રદેશ અધ્યક્ષે પણ ભાજપ ડરી ગયું છે અને નાક કપાઈ ગયું હોવાના દાવાઓ કર્યા છે. ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ સીટ એ હોટ સીટ બની ગઈ છે. આ બંને બેઠકો પર ભાજપનો 2 દાયકાથી દબદબો હોવાથી ભાજપ માટે આ નાકનો સવાલ છે. ભરૂચ લોકસભા બેઠક 1989થી ભાજપ પાસે છે. પાર્ટી છેલ્લા 35 વર્ષથી સતત આ સીટ જીતી રહી છે. આપના ચૈતર વસાવા તો ઓવર કોન્ફિડન્સમાં દાવાઓ કરી રહ્યાં છે. હવે સવાલ એ છે કે આપ કયા ગણિતોને આધારે આ સીટ જીતવાના દાવા કરી રહ્યાં છે. આ સીટની વાસ્તવિકતા એ છે કે લોકસભામાં આવતી 7 સીટમાંથી 6 સીટો ભાજપ પાસે છે. ભાજપે એક ડેડિયાપાડા સીટ ગુમાવી હતી. આ લોકસભાની બેઠક પર ચૈતર વસાવા પાસે માત્ર 13 ટકા મત છે.  અહેમદ પટેલે પણ આ સીટને જીતવા માટે મરણિયા પ્રયાસો કર્યા છે પણ આદીવાસી પ્રભુત્વ ધરાવતી આ બેઠક ભાજપના કબજામાં રહી છે. આપ માટે આ બેઠક જીતવી એ લોઢાના ચણા ચાવવા સમાન છે. કોંગ્રેસનો સપોર્ટ મળવો આ બેઠક પર અઘરો છે. અહીં લઘુમતિ સમાજ અહેમદ પટેલના પરિવારને સપોર્ટ કરતો આવ્યો છે. કોંગ્રેસે આ પરિવારની અવગણના કરી છે.  મુમતાઝ પટેલે સ્પષ્ટ નારાજગી દર્શાવતું ટ્વીટ કરીને પોતાનો મેસેજ કોંગ્રેસ સુધી પહોંચાડી દીધો છે. 

કોંગ્રેસે પગ પર કુહાડી મારી
આપણે આ બેઠક પર આંકડાકિય સમીકરણો જોઈએ તો ઝઘડિયા બેઠક પર કોંગ્રેસને 15 હજાર તો આપને 19 હજાર મત મળ્યા હતા. ડેડિયાપાડામાં કોંગ્રેસને 12 હજાર તો આપને એક લાખ મત મળ્યા હતા. જે બેઠક પર ચૈતર વસાવા વિજેતા થયા હતા. આ સિવાય જંબુસર બેઠક પર કોંગ્રેસને 64 હજાર તો આપને 3,418 મત મળ્યા હતા. અંકલેશ્વરમાં પણ કોંગ્રેસને 55 હજાર મત તો આપને 5,356 મત મળ્યા હતા. વાગરામાં પણ કોંગ્રેસને 69,584 મત સામે આપને 1,924 મત મળ્યા હતા. ભરૂચમાં જયાં અહેમદ પટેલના પરિવારનો દબદબો છે ત્યાં કોંગ્રેસને 44 હજાર તો આપને 14 હજાર મત મળ્યા હતા.. કરજણ સીટ પર પણ કોંગ્રેસને 57,442 મત તો આપને 6,587 મત મળ્યા હતા. વિધાનસભાની 7માંથી 4 સીટ પર તો આપે ડિપોઝિટ ગુમાવી દીધી હતી. હવે આપનું જ્યાં સંગઠન નથી, બેઠકો પર 2થી 5 હજાર મત મળ્યા છે. એ બેઠકો પર ભાજપને હરાવવાનો દાવો કરી રહ્યાં છે. આપ અને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હોત તો સમીકરણો બદલાવાની સંભાવના હતી પણ ગઠબંધનમાં કોંગ્રેસે પોતાના પગ પર કૂહાડી મારી છે. અહીં અહેમદ પટેલના સંતાનો ફૈઝલ અને મુમતાઝ બંનેના ચૂંટમી લડવાના દાવાઓને પગલે કોંગ્રેસે આ સીટથી દૂર રહેવાનું મુનાસિબ માન્યું હોવાની ચર્ચા છે. 

પાટીલનો જીતનો હુંકાર : આંધળા-લંગડાનુ ગઠબંધન છે, બે ભેગા થઈને પણ ભાજપને નહિ હરાવી શકે

કોંગ્રેસનો સપોર્ટ મળવો મુશ્કેલ
આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સતત છઠ્ઠી વખત સાંસદ છે. હવે અહેમદ પટેલના સંતાનોને સાઈડલાઈન કરી કોંગ્રેસે આ બેઠક આપને આપી દીધી છે. આપ અને કોંગ્રેસ વચ્ચેના ગઠબંધનમાં આજે 2 બેઠકો આપને ફાળે ગઈ છે. આપે એડવાન્સમાં ભરૂચ અને ભાવનગર બેઠક માટે ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ચૈતર ભલે અહીં મોદીને હરાવવા ના દાવા કરી રહ્યાં હોય પણ અહીં ચૈતર માટે પણ જીતવું સરળ નથી. કોંગ્રેસનો અહીં દબદબો છે પણ અહેમદ પટેલના પરિવારના બળવા વચ્ચે કોંગ્રેસ અહીં સપોર્ટ કરે તેવી સંભાવના બિલકુલ ઓછી છે. સ્થાનિક નેતાઓ પણ અહેમદ પટેલના પરિવારને નારાજ કરી આપને સપોર્ટ કરે તેવી સંભાવના ઓછી છે. આખરે કોંગ્રેસે ગઠબંધન ધર્મ ના નિભાવ્યોની બબાલ થવાની અત્યારથી જ ચર્યાઓ છે. કોંગ્રેસે દિલ્હી અને હરિયાણા માટે ગુજરાતની ભરૃચ બેઠક આપને ભેટ ધરી દીધી છે. આપે આ બેઠક માટે પહેલાંથી ઉમેદવાર જાહેર કરી દીધા છે. આપે પણ ગઠબંધન નિભાવી કોંગ્રેસને હરિયાણા અને દિલ્હીમાં બેઠકો આપી છે સામે ગુજરાતની 2 બેઠકોનો સોદો કર્યો છે. એમાં અહેમદ પટેલનો પરિવાર ભોગ બની ગયો છે. 

અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું તૂટ્યું, મુમતાઝ-ફૈઝલ હવે શું કરશે?

હવે સવાલ એ છે કે સ્થાનિક કોંગ્રેસ અને અહેમદ પટેલનો પરિવાર આ સીટ પર આપને મદદ કરશે કે કેમ? સ્થાનિક કોંગ્રેસને આપને મદદરૂપ ના થાય તો આ સીટ પર ગઠબંધનનો કોઈ મતલબ નથી. ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પર ભાજપનો કબજો છે. વરિષ્ઠ આદિવાસી નેતા મનસુખ વસાવા અહીંથી સાંસદ છે. ભાજપ માટે પણ આ નાકનો સવાલ છે. ભરૂચ લોકસભા બેઠકમાં આ વિધાનસભા બેઠક આવે છે. જેમાં કરજણ, ડેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર છે. એમાંથી માત્ર ડેડિયાપાડા બેઠક જ ભાજપ પાસે નથી. 

કોંગ્રેસના ચાણક્યે ફટકારી છે હેટ્રીક
લોકસભાની ચૂંટણી પહેલા ભરૂચ બેઠક ચર્ચામાં આવી છે. કોંગ્રેસના ચાણક્ય ગણાતા અહેમદ પટેલે ખૂબ નાની ઉંમરે આ બેઠક જીતીને હેટ્રિક ફટકારી હતી, પરંતુ 1989ની ચૂંટણીમાં ભાજપની હાર બાદ તેઓ ફરીથી રાજ્યસભામાં ચૂંટાવા લાગ્યા હતા. અહેમદ પટેલનો પરિવાર આ બેઠક પર ચૂંટણી લડવા માટે સક્રિય થયો હતો પણ હાઈકમાન્ડે તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. જો આ પરિવારે બળવો કર્યો તો અહીં ત્રિપાંખીયો જંગ ખેલાય તો પણ નવાઈ નહીં. ભરૂચ એ ગુજરાતની એક બેઠક છે જે હિન્દુત્વના ગઢના કેન્દ્ર તરીકે જોવામાં આવે છે. ભરૂચમાં 1984થી ભાજપે માત્ર લોકસભાની બેઠક જ નહીં પરંતુ વિધાનસભાની બેઠકો પર પણ પ્રભુત્વ જમાવ્યું છે પરતું આ લોકસભામાં માહોલ થોડો અલગ છે. જેનો ડર ભાજપને પણ છે. આમ છતાં પાર્ટીએ દરેક બેઠક 5 લાખની લીડથી જીતવાના સંકલ્પ સાથે ચૂંટણી મેદાનમાં ઝંપલાવી દીધું છે.

26 માંથી આ 4 બેઠકો ભાજપને પરસેવો પડાવી શકે છે, કાચું કપાયું તો બેઠક ગઈ સમજો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More