Home> Gujarat
Advertisement
Prev
Next

BJP Gaurav Yatra: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર, 'AAPનું દિલ્હી મોડલ દારૂ કૌભાંડનું મોડલ છે'

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અને ગુજરાત મોડેલ દેશમાં શ્રેષ્ઠ છે. ગુજરાતે દેશને અનેક ગણું આપ્યું છે.

BJP Gaurav Yatra: કેજરીવાલ પર અનુરાગ ઠાકુરના આકરા પ્રહાર, 'AAPનું દિલ્હી મોડલ દારૂ કૌભાંડનું મોડલ છે'

સુરેન્દ્રનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા મોટો લક્ષ્યાંક પહોંચી વળવા માટે ગુજરાતમાં ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે ગૌરવ યાત્રા સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા ખાતે પહોંચી છે. અહીં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને આડેહાથ લીધા હતા. 

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ નરેન્દ્ર મોદીનું ગુજરાત છે અને ગુજરાત મોડેલ દેશમાં શ્રેષ્ઠ છે. ગુજરાતે દેશને અનેક ગણું આપ્યું છે. કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું છે, જ્યારે નરેંદ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને તેમને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે, ભાજપની સરકાર આવ્યા બાદ રાજ્યમાં વિકાસ વધ્યો છે. તેવી રીતે દેશમાં પણ મોદીજી પીએમ બન્યા બાદ વિકાસ વધ્યો છે.

અનુરાગ ઠાકુરે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે દેશને વિશ્વનું સૌથી લોકપ્રિય નેતૃત્વ આપ્યું છે. એ ગુજરાતમાં ભાજપ સિવાય બીજા કોઈને જગ્યા નહીં મળે. ગુજરાતની જનતા ક્યારેય બહારના લોકોને નહી સ્વીકારે. આપનું દિલ્લી મોડલ દારૂ કૌભાંડનું મોડલ છે, કેજરીવાલ ગુજરાતમાં આવીને લોકોને ખોટા વાયદાઓ કરે છે. એક ઇટાલિયનને જ્યારે નરેન્દ્ર મોદી માટે ટિપ્પણી કરી હતી, ત્યારે જનતાએ જવાબ આપ્યો હતો. હવે ઇટાલિયાને પણ જવાબ આપશે. 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપની અન્ય રાજ્યમાં ડિપોઝીટ ગઈ તેનાથી હતાશ છે, એટલે ગમે તેવી અભદ્ર ટિપ્પણીઓ કરે છે. અરવિંદ કેજરીવાલ આ ગોપાલ ઈટાલિયાને બચાવીને શું સાબિત કરવા માંગે છે? હિમાચલ અને ગુજરાત બન્ને રાજ્યોમાં ફરી ડબલ એન્જિન સરકાર બનશે અને વધુ બેઠકોથી બનશે.

અનુરાગ ઠાકુરે કેજરીવાલને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, તેઓ ગુજરાતમાં કહી રહ્યા છે કે મારો જન્મ કંસના વશંજોનો નાશ કરવા થયો છે, તેમનો જન્મ જન્માષ્ટમીએ તો થયો પરંતુ તેઓ મહિલાઓની ઈજ્જત નથી કરી શકતા. ગુજરાતે ત્રણ મહિનામાં નેશનલ ગેમ્સનું આયોજન કર્યું. ગુજરાત ગૌરવ યાત્રા 144 વિધાનસભા સીટો પર ફરશે અને ગુજરાતમાં 150થી વધુ સીટો ભાજપ જીતશે.

તેમણે કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીએ દેશને કોરોનામાંથી ઉગાર્યો હતો. 200 વર્ષ ભારત પર શાસન કરનારા અંગ્રેજોના દેશને પાછળ છોડી ભારત વિશ્વમાં 05 માં નંબરનું અર્થતંત્ર બનાવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપ ઐતિહાસિક સીટો મેળવશે. અરવિંદ કેજરીવાલનું દિલ્હી મોડલ નિષ્ફળ જશે. મોહલ્લા ક્લિનિક બંધ છે અને તેના આંગણામાં પશુઓ રખડે છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં હાર દેખી ગઈ છે એટલે વડાપ્રધાન પર વ્યકતિગત ટિપ્પણીઓ કરી રહી છે. કોંગ્રેસ પરિવારની પાર્ટી છે, પરિવાર જ તેને ખતમ કરી રહ્યો છે. પરિવારમાં જ મતભેદ છે એટલે ભાઈ-બહેન સાથે નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More