Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં એસ્પાયર-2માં બનેલી દુર્ઘટનાના LIVE દૃશ્યો: નીચે પડતા શ્રમિકો CCTVમાં કેદ

ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં સાતમે માળેથી માંચડો તૂટતા આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં 7નાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ સાતમા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા છે.

અમદાવાદમાં એસ્પાયર-2માં બનેલી દુર્ઘટનાના LIVE દૃશ્યો: નીચે પડતા શ્રમિકો CCTVમાં કેદ

ઝી ન્યૂઝ/અમદાવાદ: બુધવારે સવારે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં 7 શ્રમિકોના દર્દનાક મોત નિપજ્યા હતા. હવે અમદાવાદમાં એસ્પાયર-2 બિલ્ડિંગ દુર્ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પહેલી નજરમાં જોતા આ સીસીટીવી ફૂટેજ ભલભલા માણસોના હૃદય હચમચી જાય એમ છે. બિલ્ડિંગથી નીચે પડતા શ્રમિકોના CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે  બે શ્રમિકો ધડામ કરીને નીચે પછડાય છે. બેમાંથી એકનું મોત અને એકને ગંભીર ઈજા પહોંચે છે. તમને જણાવી દઈએ કે કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ ઘટનામાં 7 શ્રમિકોના મોત થયા છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં સાતમે માળેથી માંચડો તૂટતા આઠ શ્રમિક નીચે પટકાયા હતા, જેમાં 7નાં મોત થયાં હતાં અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. હાલ સાતમા માળેથી પટકાયેલા બે મજૂરના CCTV સામે આવ્યા છે. જેમાંથી એકનું મોત થઈ ગયું છે જ્યારે એક મજૂરને ઈજા થઈ છે. સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે, જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે માંચડો તૂટતાં કુલ આઠ લોકો પડ્યા હતા, જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડી હતી, બાકીના 6 શ્રમિક બેઝમેન્ટમાં પડ્યા હતા. 

ઘટના બનતા જ સુપરવાઈઝર ઓફિસ છોડીને ભાગી ગયા
ઘટનાની જાણ થતા જ સ્થાનિક તંત્ર, પોલીસ તથા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. પરંતુ ત્રણ કલાકના વહાણ વીતી ગયા છતા, કસૂરવાર બિલ્ડરો ફરક્યા પણ નથી. આ બિલ્ડરોએ ઘટના તથા પોતાની ભૂલ છુપવવાનું ગુનાહિત કૃત્ય કર્યું છે. આ ઘટના બની ત્યારે સાઈટની ઓફિસમાંથી લાઈટ પંખા ચાલુ મૂકી સુપરવાઈઝર સહિતના લોકો નીકળી ગયા હતાં.સાઇટ ઓફિસમાં અંદર બંને ચેમ્બરમાં એસી અને પંખા ચાલુ મૂકી નીકળી ગયા છે.

11 માળની મંજૂરી આપવામાં આવી હતી
આ ઈમારતની માલિકી એડોર ગ્રૂપના સીએમડી વિકાસ શાહ અને આશિષ કે શાહની હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યુ છે.  ત્યારે આખરે કેમ તેઓએ 3 કલાક મજૂરોના મોતને છુપાવ્યું તે મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 21 સપ્ટેમ્બર, 2019 ના રોજ ઈમારત માટે amc ની રજાચિઠ્ઠી મળી હતી. જેમાં 2 સેલર અને 11 માળની મંજૂરી આપવામા આવી હતી.

આ જ ગ્રૂપની બિલ્ડીંગમાં 5 વર્ષ પહેલા પણ બની હતી દુર્ઘટના
ચોંકાવનારી બાબત એ છે કે, એડોર ગ્રૂપની જ એક ઈમારતમાં પાંચ વર્ષ પહેલા દુર્ઘટના બની હતી, જેમાં 3 મજૂરોના મોત નિપજ્યા હતા. એડોર ગ્રૂપની નહેરુનગર વિસ્તારમાં ક્લાઉડ-9 નામની બિલ્ડીંગમાં કામ ચાલી રહ્યુ હતું ત્યારે ઘટના બની હતી, જેમાં અકસ્માત સર્જાતા 3 મજૂરોના મોત થયા હતા. 

કેવી રીતે બની આ ઘટના
13માં માળે લિફ્ટનું કામ ચાલતું હતું. સેન્ટિગ ભરવાનું કામ કરતા હતા. ત્યારે અચાનક જ તેઓ નીચે પડ્યા હતા. સાઈટ પર કામ કરી રહેલા એક શ્રમિકના જણાવ્યા પ્રમાણે જ્યારે કામ ચાલી રહ્યું હતું ત્યારે લીફ્ટ તૂટતા કુલ આઠ લોકો પડ્યાં હતાં. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી નીચે પડ્યાં હતાં. બાકીના 6 શ્રમિકો બેઝમેન્ટમાં પડ્યા હતાં. જેમને આસપાસની બિલ્ડિંગના લોકોએ રેસ્ક્યૂ કર્યા હતાં.શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલેન્સમાં મોકલ્યા હતાં. 15 મિનિટ બાદ અન્ય 4 વ્યક્તિઓને મોકલાયા હતાં. તે ઉપરાંત બે જણા બેઝમેન્ટમાં ફસાયા હોવાની ખબર પડતાં તેમને બહાર કાઢ્યા હતાં. પંપથી બેઝમેન્ટમાં ભરાયેલું પાણી બહાર કાઢ્યું ત્યારે વધુ 2 મજૂર મળ્યા હતા. તેમને બહાર કાઢવામાં આવ્યા હતાં. એમ કુલ 8 મજૂરોને બહાર કાઢ્યા હતા. 

પોલીસ ગુનો દાખલ કરશે 
લિફ્ટ પડવાની દુર્ઘટનામાં પોલીસ 7 મજૂરોના મોત મામલે ગુનો દાખલ કરશે. બી ડિવીઝનના એલબી ઝાલાએ કહ્યું કે, દુર્ઘટના સવારે 9.30 કલાકે બની હતી. 10.30 વાગ્યા સુધી પોલીસને આ ઘટના વિશે જાણ થઇ ગઇ હતી. હોસ્પિટલ તરફથી પોલીસને ઘટના વિશે જાણકારી મળી હતી. હાલ એફએસએલની ટીમ સાથે મળીને તપાસ ચાલી રહી છે. એડોર ગ્રૂપના બિલ્ડર વિશાલ શાહ અને તેના પાર્ટનરની સ્કીમ હતી. સાઈટ પરથી પાળો તૂટી જતાં દુર્ઘટના થઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More