Home> Gujarat
Advertisement
Prev
Next

'જર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું' કહેવત ફરી સાબિત થઈ! જમીનના ઝઘડામાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

પાલનપુર તાલુકા પોલીસને 1 ડિસેમ્બરે સાંજે જાણ થાય છે કે પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે એક વૃદ્ધનો તરતો મૃતદેહ દાંતીવાડા ડેમમાં છે અને આ ડેમ પાસે એક સ્કોર્પિયો ગાડી ફસાઈ ગઈ છે અને તેને નીકળવાના પ્રયત્નો થઈ રહ્યા છે.

'જર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું' કહેવત ફરી સાબિત થઈ! જમીનના ઝઘડામાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા

અલકેશ રાવ/બનાસકાંઠા: જર જમીનને જોરૂ ત્રણેય કજિયાના છોરું કહેવત ફરી એક વાર બનાસકાંઠામાં સાબિત થઈ છે. જમીનના ઝઘડામાં 80 વર્ષીય વૃદ્ધને જીવ ખોવાનો વારો આવ્યો છે. સગા ભત્રીજાએ કાકાની જમીનના ઝઘડામાં હત્યા કરી દીધી, પરંતુ આખરે કુદરતના હિસાબ પ્રમાણે હત્યારાને જેલમાં જવાનો વારો આવ્યો છે. 

સ્કોર્પિયો ગાડી આ ડેમના પટમાં ફસાઈ અને ગુનાનો ભેદ ઉકેલાયો
પાલનપુર તાલુકા પોલીસને 1 ડિસેમ્બરે સાંજે જાણ થાય છે કે પાલનપુર તાલુકાના નાની ભટામલ ગામે એક વૃદ્ધનો તરતો મૃતદેહ દાંતીવાડા ડેમમાં છે અને આ ડેમ પાસે એક સ્કોર્પિયો ગાડી ફસાઈ ગઈ છે અને તેને નીકળવાના પ્રયત્નો થઈ રહ્યા છે. પાલનપુર તાલુકા પોલીસ દાંતીવાડા ડેમ પાસે ઘટના સ્થળે પહોંચે છે અને વૃદ્ધના તરતા મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલે છે. જોકે સ્કોર્પિયો ગાડી આ ડેમના પટમાં ફસાઈ જવાથી આખા ગુનાનો ભેદ ઉકેલાઈ જાય છે. પાલનપુર તાલુકાના સાંગલા ગામે ખેત મજૂરી કરી અને જીવન વિતાવી રહેલા મુળાભાઈ ભેમાભાઈ ભુતડીયાની હત્યાથી નાની ભટોમલ ગામમાં સોપો પડી ગયો છે.

હત્યાનું પાપ છુપાવવા ભત્રીજાએ કારસો ઘડ્યો
સમગ્ર ઘટનાની વિગત જોઈએ તો આ હત્યા પાછળ જમીનનો ઝઘડો જવાબદાર છે. જમીનના ઝઘડામાં સગા ભત્રીજા એ જ કાકાની હત્યા કરી અને હત્યાનું પાપ છુપાવવા માટે તેમના મૃતદેહને દાંતીવાડા ડેમમાં નાખી અને આત્મહત્યામાં ખપાવવાની કોશિશ કરતા પકડાઈ ગયેલા ગોવાભાઇ ભૂતડીયા તેમજ અન્ય એક ભાગિયા તરીકે કામ કરતા ઇસમને જેલ ભોગવવાનો વારો આવ્યો છે. નાની ભટામલ ખાતે ખેત મજૂરી કરીને જીવન વિતાવતા મુળાભાઈ ભૂતડીયા આજીવન કુવારા હતા અને તેમના ભત્રીજાને થતું કે મારા કાકા મારા ભાગની જમીન પડાવી અને વેચી દેવા માંગે છે. આ મામલે વારંવાર ઝઘડા થતાં અને જેને કારણે ઘણી વાર હોબાળો પણ મચી જતો. 

ખેતરમાં દોરી વડે કાકાને ટૂંપો આપી દીધો
એક ડિસેમ્બરે આ જમીનના ઝઘડાને લઈને સાંગલા ખાતે મુળાભાઈ ભૂતડીયાના ખેતરમાં તેમના ભત્રીજા ગોવાભાઇ એ જમીનને લઈને બબાલ કરી હતી અને આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ ગોવાભાઇ ભૂતડીયાએ પોતાના ભાગીયા ચેલાભાઈ ભગોરા સાથે મળી અને તેમને ખેતરમાં દોરી વડે પોતાના કાકાને ટૂંપો આપી દીધો હતો અને તેમની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી મૃતક મુળાભાઈને સ્કોર્પિયો ગાડીમાં લઈ જઈ અને નાની ભટામલ પાસે આવેલા દાંતીવાડા ડેમમાં મૃતક મુળાભાઈના મૃતદેહને ફેંકી દીધો હતો. 

સ્કોર્પિયો ચાલક પર શંકા જતા પોલીસે કરી અટકાયત
જો કે ડેમના પટમા સ્કોર્પિયો ફસાઈ જતા સ્થાનિકો આ સ્કોર્પિયોને બહાર નીકળવા મદદમાં આવ્યા હતા. પરંતુ ડેમમાંથી મૃતદેહ દેખાતા સ્થાનિકોએ શંકા જતા તેમને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી અને પાલનપુર તાલુકા પોલીસે ઘટના સ્થળે જઈ વૃદ્ધના મૃતદેહનો કબજો લીધો હતો. ત્યારબાદ સ્કોર્પિયોનો પણ કબજો લીધો હતો. જોકે પોલીસને સ્કોર્પિયો ચાલક પર શંકા જતા સ્કોર્પિયો ચાલક આરોપી અને તેમના ભાગિયાની પોલીસે અટકાયત કરી હતી . પોલીસની કડક પૂછપરછમાં ભાગી પડેલા આરોપીઓએ ગુનો આચર્યાની કબુલાત કરી હતી. 

જમીનના ઝઘડામાં કુંવારા વૃદ્ધે જીવ ખોયો
જોકે પાલનપુર તાલુકા પોલીસે સાંગલા ગામના ગોવાભાઇ મોતીભાઈ ભૂતડીયા અને તેમના ભાગીયા ચેલાભાઈ શકરાભાઈ ભગોરાને જેલ હવાલે કર્યા છે આમ જમીનના ઝઘડામાં કુંવારા વૃદ્ધે જીવ ખોવાનો વારો આવ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More