Home> Gujarat
Advertisement
Prev
Next

૧.૫૮ કરોડના વોટર મીટર ચોરી કેસમાં વધુ 5 એન્જિનિયરને નોટિસ

એએમસી વિજીલન્સ વિભાગે મીટરના કોન્ટ્રાક્ટર શ્રીરંગ કોર્પોરેશન અને સેન્ટ્રલ સ્ટોરના સિક્યુરીટી કોન્ટ્રાક્ટર શિવ સિક્યુરિટીને પણ નોટિસ ફટકારી છે.

૧.૫૮ કરોડના વોટર મીટર ચોરી કેસમાં વધુ 5 એન્જિનિયરને નોટિસ

અમદાવાદ: એએમસીના સેન્ટ્રલ સ્ટોરમાંથી રૂ ૧.૫૮ કરોડના વોટર મીટર ચોરીના પ્રકરણમાં વધુ પાંચ એન્જિનિયરને નોટિસ આપવામાં આવી છે. સાથે જ મ્યુનિસિપલ સેન્ટ્રલ સ્ટોર્સની બહાર આવેલી ઘોર બેદરકારીમાં તામિલનાડુમાં ટેસ્ટિંગ માટે ગયેલા ૨૮૪ વોટર મીટર સુરતમાં બદલાઈ ગયા હોવાનું પણ ધ્યાને આવ્યુ છે. ત્યારે એએમસી વિજીલન્સ વિભાગે મીટરના કોન્ટ્રાક્ટર શ્રીરંગ કોર્પોરેશન અને સેન્ટ્રલ સ્ટોરના સિક્યુરીટી કોન્ટ્રાક્ટર શિવ સિક્યુરિટીને પણ નોટિસ ફટકારી છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોર્સમાંથી રૂ ૧.૫૮ કરોડની કિંમતના ચોરાયેલા ૪૬૧૨ વોટરમીટરના પ્રકરણમાં અગાઉ ચોકીદાર શાહીદ સૈયદને સસ્પેન્ડ કર્યા બાદ વિજીલન્સ વિભાગ દ્વારા વધુ ચાર ઇજનેરોને શો-કોઝ નોટિસો ફટકારવામાં આવી છે. હજુ પણ વધુ સ્ફોટક માહિતી આ પ્રકરણમાં બહાર આવશે તેમ જણાય છે. હાલમાં સેન્ટ્રલ સ્ટોર્સમાં જ ફરજ બજાવતા આસી. સિટી એન્જિનિયર પંકજ પટેલને શો-કોઝ ફટકારવા ઉપરાંત તેમની ટ્રાફિક શાખામાં બદલી કરી નાખવામાં આવી છે.

ગુજરાત કોંગ્રેસમાં ભડકો, રાજ્યગુરૂના રાજીનામા બાદ પ્રદેશ કાર્યાલયમાં હંગામો 

નરેશ મેસરિયા (સુપરવાઈઝર) અને યુસુફ શેખ (જુનિયર કલાર્ક)ને પણ નોટિસ આપીને તેમનો ખુલાસો પુછવામાં આવ્યો છે. જ્યારે આ અંગે થયેલી પોલીસ ફરિયાદના સંદર્ભમાં ચોકીદાર શાહીદ સૈયદ અને અગાઉના ચોકીદારના પુત્ર પ્રદિપગીરી ગૌસ્વામીની ધરપકડ થઈ હતી. જેઓ સેન્ટ્રલ સ્ટોર્સના કમ્પાઉન્ડમાં આવેલા ક્વાર્ટસમાં જ તેઓ રહેતા હતા.

સેન્ટ્રલ સ્ટોર્સના ગોડાઉનમાં પાણી ખાતાએ ૨૦૧૨-૧૩માં ખરીદેલા ૨૫૦૦ અને ૨૦૧૫-૧૬માં ખરીદેલા ૭૫૦૦ વોટરમીટરો મુક્યા હતા, ત્યારબાદ વોટરમીટર ફીટ કરવાનો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો, જેના કર્મચારીઓ જુદા જુદા તબક્કે ૩૬૦૦ જેટલાં વોટરમીટર ફીટ કરવા માટે લઈ આવેલા હતા. છેલ્લે માર્ચમાં કોન્ટ્રાક્ટરનો કર્મચારી વોટરમીટર લેવા ગયા ત્યારે તેમને બોક્સની સંખ્યા ઓછી દેખાઈ હતી. 

આ સંદર્ભમાં શીવ સિક્યુરિટીને પણ નોટિસ અપાઈ છે. બીજી તરફ વોટરમીટર ખરીદનાર વોટર ઓપરેશનની બેદરકારી પણ બહાર આવી છે. ૨૮૪ મીટરના ટેસ્ટીંગ માટે તમિલનાડુ મોકલાયા હતા. આશ્ચર્યજનક રીતે તે તમામ બોક્સના મીટરો સુરત ખાતેથી બદલાઈ ગયા હતા. આ સંદર્ભમાં વોટર ઓપરેશન વિભાગના બે ડેપ્યુટી સિટી એન્જિનિયરને શોકોઝ નોટિસ અપાઈ છે. જ્યારે આસિટન્ટ ઇજનેર મિતેષ પ્રજાપતિને સસ્પેન્ડ કરાયા છે. સિટી એન્જિનિયરને આ આખાય પ્રકરણ અંગે રિમાર્ક આપવા જણાવાયું છે. ઉપરાંત વોટર મીટર સપ્લાય કરાનારા કોન્ટ્રાક્ટર શ્રીરંગ કોર્પોરેશનને પણ નોટિસ અપાઈ છે કે, સુરત ખાતે માલ કેવી રીતે બદલાઇ ગયો.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More