Home> Gujarat
Advertisement
Prev
Next

૩૧ ઓક્ટોબર ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ બનશે: વિજય રૂપાણી

વિજયાદશમીએ કેવડિયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓની થઈ રહેલી કામગીરી નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુરૂવારે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. 

૩૧ ઓક્ટોબર ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ બનશે: વિજય રૂપાણી

ગાંધીનગર: વિજયાદશમીએ કેવડિયા સરદાર સરોવર બંધ સ્થળે નિર્માણ પામેલી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની અંતિમ તબક્કાની પૂર્વ તૈયારીઓ અને અન્ય પ્રવાસન સુવિધાઓની થઈ રહેલી કામગીરી નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગુરૂવારે કેવડિયા કોલોની પહોંચ્યા હતા. 

આ પ્રસંગે વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબર સરદાર પટેલ જયંતિએ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને રાષ્ટ્રાર્પણ કરવાની સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. એક અને અખંડ ભારતના શિલ્પી સરદાર સાહેબનું સૌથી ઊંચું સ્ટેચ્યુ આગામી તા.૩૧ ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સમર્પિત કરશે. સરદાર પટેલના વિરાટ વ્યક્તિત્વને શોભે એવા વિશ્વના અજોડ અને ભવ્યત્તમ સ્મારક નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ સાકાર થવા જઈ રહ્યો છે, ત્યારે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વની દેશ અને દુનિયાને પ્રતિતી કરાવશે.
 
વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ૩૧ ઓક્ટોબર એ ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ બની રહેવાનો છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ને સરદારના વિરાટ વ્યક્તિત્વ અને બૂલંદ મિજાજને ઉજાગર કરતું અને દેશવાસીઓને સદીઓ સુધી પ્રેરણા આપનારૂં સૌથી અનેરૂં સ્મારક ગણાવ્યું હતું. પ્રતિમાના પરિસરમાં શ્રેષ્ઠત્તમ પ્રવાસન સુવિધાઓ થકી આ સ્થળ વિશ્વકક્ષાનું અજોડ પ્રવાસનધામ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
 
સરદાર સાહેબની પ્રતિમા, વિવિધ રાજ્યોના ગામોની માટીથી તૈયાર થનારા લેન્ડસ્કેપ વોલ ઓફ યુનિટી તેમજ ૧૭ કિ.મી. લાંબી અને ૨૩૦ હેક્ટરમાં ઉભી થનારી વેલી ઓફ ફ્લાવરનું જાતનિરીક્ષણ કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. ઉપરાંત ટેન્ટ સિટી, એક ભારત, શ્રેષ્ઠ ભારત ભવન સાઈટ, ફૂડ કોર્ટ, સરદાર પટેલ મેમોરિયલ મ્યુઝિયમ, વિઝીટર્સ સેન્ટર વગેરે સ્થળોની પણ મુલાકાત લઇને તલસ્પર્શી વિગતો સંબંધિત અધિકારીઓ પાસેથી જાણી હતી. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના સમગ્ર પરિસરનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા. સાથોસાથ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે યોજાનાર લોકાર્પણ કાર્યક્રમ સંદર્ભમાં વિગતો મેળવી માર્ગદર્શન આપ્યું હતું. 

સરદાર સરોવર ડેમથી ત્રણ કિ.મી.દૂર નર્મદા નદીના પટમાં સાધુ બેટ પર તૈયાર થઇ ચૂકેલી વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના લોકાર્પણની આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે લોકાર્પણના ધમધમાટ વચ્ચે મુખ્યમંત્રીએ સાધુ બેટની જાત મુલાકાત લીધા બાદ જિલ્લા વહીવટીતંત્ર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક પણ યોજી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More