Home> Gujarat
Advertisement
Prev
Next

રાજકોટ આગકાંડમાં 3 આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર, જાણો કોર્ટમાં શું થઈ દલીલો

રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત બાદ ત્રણ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલની વિવિધ દલીલો સાંભળી ત્રણેયને 14 દિવસના રિમાન્ડ પર મોકલી આવ્યા છે. 

રાજકોટ આગકાંડમાં 3 આરોપીઓ 14 દિવસના રિમાન્ડ પર, જાણો કોર્ટમાં શું થઈ દલીલો

રાજકોટઃ રાજકોટ આગકાંડમાં 28 લોકોના મોત થયા છે. આગકાંડના મુખ્ય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોઈપણ સેફ્ટી વગર ગેમઝોન ચલાવતા ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. યુવરાજ સિંહ સોલંકી, નીતિન જૈન અને રાહુલ રાઠોડને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. સરકારી અને બચાવ પક્ષના વકીલોની દલીલો બાદ કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

શનિવારે બની હતી દુર્ઘટના
રાજકોટમાં આવેલા ટીઆરપી મોલમાં ગેમઝોનમાં શનિવારે સાંજના સમયે આગ લાગી હતી. આ આગમાં 28 લોકોના મોત થયા હતા. આગ એટલી ભયાનક હતી કે મૃતદેહોની ઓળખ કરવા માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. આ કેસમાં કુલ છ આરોપીઓ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ આરોપીઓ ફરાર છે. 

આ પણ વાંચોઃ હે ભગવાન! આવી કરુણાંતિકા, રાજકોટમાં લાશો લેવા માટે લાગી છે લાઈન

શું બોલ્યા સરકારી વકીલ
કોર્ટમાં સરકારી વકીલ તરફથી દલીલો કરવામાં આવી હતી. સરકારી વકીલોએ કહ્યું કે 28 લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ નથી. પોલીસને એકેય પ્રશ્નોના જવાબ આરોપીઓએ આપ્યા નથી. સરકારી વકીલે કહ્યું કે ગેમિંગ ઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા જેનો જવાબ મળ્યો નથી. FSL અધિકારીઓએ તપાસ કરી જ્યાં માનવ અવશેષો મળી આવ્યા છે. આરોપીઓને સીસીટીવી દેખાડવામાં આવ્યા છતાં તેના કર્મચારીઓને ઓળખી શક્યા નથી. 

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે એફઆઈઆર બાદ ઘણી વિગતો બહાર આવી છે. મૂળ ઘટનાના આગલા દિવસે પણ આગનો બનાવ બનાવ્યો હતો. શનિ-રવિની રજાનો લાભ લેવા માટે 500ની ટિકિટ 99 રૂપિયામાં જાહેર કરવામાં આવી હતી. આ ગેમઝોન માટે કોઈ મંજૂરી લેવામાં આવી નથી. માત્ર ફી નક્કી કરવા પોલીસની મંજૂરી લીધી હતી. તેમ છતાં નક્કી કરતા વધુ ફી લેવામાં આવતી હતી. 

આ પણ વાંચોઃ આગકાંડના ઘેરા પ્રત્યાઘાત, રાજકોટ પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી

સરકારી વકીલે કહ્યું કે ત્યાં એક રસોડું પણ કાર્યરત હતું. જ્યાં બે નેપાળી નાગરિકો નોકરી કરતા હતા, જેમાં એકનું મોત થયું અને એક બચી ગયો છે. વેલ્ડર ત્યાં વેલ્ડિંગ કરતો હતો. ત્યાં સ્નો પાર્ક બનાવવાની કામગીરી ચાલી રહી હતી. સરકારી વકીલે કહ્યું કે જો રિમાન્ડ નહીં મળે તો કેસની તપાસ આગળ વધી શકશે નહીં. 

આરોપીઓએ કોર્ટ સમક્ષ આપ્યા નિવેદનો
રાજકોટ આગકાંડમાં કોર્ટમાં રજૂ કરાયેલા ત્રણ આરોપીઓએ કોર્ટમાં નિવેદનો આપ્યા હતા. આરોપીઓએ કહ્યું કે અમારી પાસે જેટલી માહિતી હતી અને સવાલ કરવામાં આવ્યા તેના જવાબ આપીએ છીએ. અમને ફક્ટ સીસીટીવી દેખાડવામાં આવ્યા છે, પૂછપરછ કરાઈ નથી. અમને કોઈની ઓળખ કરવાનું કહેવામાં આવ્યું નથી. લોકો માટે દરવાજા બંધ કરી દેવાયા તે આરોપો ખોટા છે. આરોપીઓએ કહ્યું કે અમારા પર ખોટા આરોપ લગાવવામાં આવી રહ્યાં છીએ. ત્રણેય આરોપીઓએ કહ્યું કે અમે માલિક નથી, અમે ત્યાં નોકરી કરીએ છીએ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More