Home> Business
Advertisement
Prev
Next

દક્ષિણના રાજ્યોએ સુરતના કાપડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંક્યો, એક વર્ષ બાદ માર્કેટમાં રોનક આવી

દક્ષિણના રાજ્યોએ સુરતના કાપડ ઉદ્યોગમાં પ્રાણ ફૂંક્યો, એક વર્ષ બાદ માર્કેટમાં રોનક આવી
  • દક્ષિણ ભારતમાં એક માસ સુધી ઉજવવામાં આવતા આડીની સીઝનને લઈને કાપડ ઉદ્યોગમાં ખરીદી નીકળી
  • આંધ્રપ્રદેશ, તેલંગણા અને ખાસ કરીને હૈદરાબાદના વેપારીઓ જથ્થામાં ઓર્ડર આપી રહ્યા છે
  • લોકડાઉનના કારણે સાડીઓનો જથ્થો સીઝ થયો હતો, તે પણ હવે આડીની ડિમાન્ડના કારણે નીકળવા લાગ્યો 

ચેતન પટેલ/સુરત :કોરોના કાળમાં કાપડ ઉદ્યોગની કમર ભાગી પડી હતી. મહોરમ, ઈદ સહિતના પર્વમાં કોઈ પણ પ્રકારનો ધંધો થયો ન હતો. વેપારીઓએ ક્યાંક ને ક્યાંક દિવાળી પર્વ સુધીની આશા જ છોડી દીધી હતી. જોકે આ વચ્ચે એક આશાનું કિરણ વેપારીઓ માટે જોવા મળ્યું છે. દક્ષિણ ભારતના આડીના પર્વને લઈને ખરીદી નીકળી છે. તેલંગણા, આંધ્રપ્રદેશના વેપારીઓ 5000 થી લઈ 10 લાખ સાડીઓના ઓર્ડર સુરતના વેપારીઓને આપી ચૂક્યા છે. જેના કારણે સુરત કાપડ ઉદ્યોગને મોટી રાહત મળી છે. જે
દુકાનોમાં વેપારીઓ જોવા મળતા નહોતા, ત્યાં વેપારીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં કારીગરો મોટા પાર્સલો પેક કરતાં પણ નજરે ચડી રહ્યા છે.

એક વર્ષ બાદ સુરતના માર્કેટમાં હલચલ
કોરોનાના કાળને કારણે છેલ્લા બે વર્ષથી વેપાર ધંધાની અવદશા થઈ છે. ખાસ કરીને કાપડ ઉદ્યોગને સૌથી માઠી અસર પહોંચી છે. કેટલાક એવા પણ વેપારીઓ છે, જેઓ આ ધંધો છોડી અન્ય ધંધા તરફ વળ્યા છે. ક્યાંક ને કયાંક વેપારીઓએ ખરીદીની આશા છોડી દીધી હતી. જો કે આ વચ્ચે તેમના માટે આશાનું કિરણ જોવા મળ્યું છૅ. ખાસ કરીને દક્ષિણ ભારતમાં એક માસ સુધી ઉજવવામાં આવતા આડીની સીઝનને લઈને કાપડ ઉદ્યોગમાં ખરીદી નીકળી છે. લગભગ એક વર્ષ બાદ સુરતના કાપડ માર્કેટમાં હલચલ જોવા મળી રહી છે. 

દક્ષિણ ગુજરાતના રાજ્યોમાંથી ઓર્ડર આવ્યો 
આંધ્રપ્રદેશ, તેલંગણા અને ખાસ કરીને હૈદરાબાદના વેપારીઓ જથ્થામાં ઓર્ડર આપી રહ્યા છે. સોશિયલ મીડિયા થકી અને રૂબરૂ આવીને સુરતના સાડીના વેપારીઓને દક્ષિણ ભારતના વેપારી ઓર્ડર આપતા થયા છે. કોરોનામાં લોકડાઉનના કારણે જે સાડીઓનો જથ્થો એક પ્રકારે સીઝ થઈ ગયો હતો, તે પણ હવે આડીની ડિમાન્ડના કારણે નીકળવા લાગ્યો છે. 

મંદી બાદ માર્કેટમા પહેલીવાર રોનક જોવા મળી 
સુરતના કાપડના એક વેપારી કૈલાશ હકીમે જણાવ્યું કે, દક્ષિણમાં આડી સીઝનને લઈ સાડીઓની ડિમાન્ડમાં વધારો થયો છે. છેલ્લા ઘણા સમયથી કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ હતો, પરંતુ અત્યારે માર્કેટમાં રોનક ફરી જોવા મળી છે. અને બહારના વેપારીઓ સુરતની તમામ દુકાનોમાં જોવા મળે છે. જુના માલ જે ઘણા સમયથી પડ્યા હતા તે હાલ ડિમાન્ડના કારણે નીકળી રહ્યો છે. આ સીઝનમાં 300 થી લઈને 500 રૂપિયાની સાડીની ડિમાન્ડ મોટી સંખ્યામાં આવી રહી છે. ખાસ કરીને હૈદરાબાદથી વેપારીઓ આ સીઝન માટે ખરીદી કરવા આવી રહ્યા છે. ઉત્તર ભારતમાં પણ રક્ષાબંધન અને ત્રીજની ખરીદી માટે વેપારીઓએ ઓર્ડર આપ્યા છે.

દક્ષિણ ભારતના વેપારીઓને સુરતના કાપડના વેપારીઓ સાથે મેળવનાર એજન્સીના વિકાસ જૈને જણાવ્યું હતું કે, આ વખતે ખરીદી સારી છે. કોરોનાના કારણે આ સીઝનમાં ખરીદી થઈ શકી નહોતી. પરંતુ આ વર્ષે પાંચ હજારથી લઇને દસ લાખ સુધી સાડીઓના ઓર્ડર દક્ષિણ ભારતના વેપારીઓ આપી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More