Home> Agriculture
Advertisement
Prev
Next

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણી

Agriculture News : પાક ઉત્પાદનમાં ઓછી ખર્ચાળ અને બિન ખર્ચાળ પધ્ધતિઓ છે, જો આવું કરી શકો તો ખેતી ખર્ચ ઘટાડીને આવકમાં વધારો કરી શકાય છે, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ અંગે મહત્વની માહિતી આપી

ખેડૂતો માટે સો ટચ સોના જેવી સલાહ, ઓછા ખર્ચમાં આ રીતે મળશે મબલખ ઉત્પાદન અને કમાણી
Updated: Jun 22, 2024, 12:13 PM IST

Agriculture News : આજના ઝડપી અને આધુનિક યુગમાં ભૌતિક સુખ સમૃધ્ધિએ જયારે માઝા મુકી છે, ત્યારે જગતના તાત ગણાતાં ખેડૂતની આર્થિક સ્થિતિ દિન પ્રતિ દિન નબળી પડતી જાય છે. જે માટે મોંઘાદાટ વિદેશી, નકલી બિયારણો અને દવાઓ, અપૂરતો અને અનિયમિત વરસાદ, પિયત પાણીની ખેંચ તથા પિયત માટે થતો વધુ પડતો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના અપોષણક્ષમ બજારભાવ મુખ્યત્વે કારણભૂત છે.

જો ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજારભાવ સારાં મળવા જોઈએ. જે પૈકી ખેત ઉત્પાદન અને ખેતી ખર્ચ ખેડૂતના હાથની બાબત છે. આવા સમયે ખેડૂતોએ સંશોધન આધારિત ખેતી પધ્ધતિઓ અપનાવવી જોઈએ. ખેતી પધ્ધતિઓને ખર્ચના આધારે બે વિભાગમાં વહેંચી શકાય (૧) ખર્ચાળ ખેતી પધ્ધતિ અને (૨) બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પધ્ધતિ.

બિન ખર્ચાળ કે ઓછી ખર્ચાળ ખેતી પધ્ધતિમાં ખેડૂતોને નાણાંની ઓછી જરૂરિયાત રહે છે, પરંતુ તેના અમલ માટે જમીનની પસંદગી, જમીનની તૈયારી, પાકની પસંદગી, બિયારણની પસંદગી, બીજ માવજત, વાવણીનો સમય, વાવેતર પધ્ધતિ, વાવણી અંતર, ખાતરની પસંદગી, ખાતરનું પ્રમાણ, પધ્ધતિ અને સમય, પિયત પધ્ધતિ, પિયતનો ગાળો, કટોકટીની અવસ્થાએ પિયત, સમયસર નીંદણ નિયંત્રણ, રોગ-જિવાત નિયંત્રણ, દવા અને તેનું પ્રમાણ અને સમય, કાપણી, ગ્રેડીંગ, વેચાણ તેમજ પાક પધ્ધતિ અને પાક ફેરબદલી વગેરેની જાણકારી હોવી જરૂરી છે.

પોતાની જવાબદારીથી હાથ અદ્ધર કરતા ફૂડ વિભાગનો નવો ફતવો : ગ્રાહકો, તમે તમારું જોઈ લેજો

1. જમીન અને પાકની પસંદગી: પાકની વાવણી કરતાં પહેલાં જે તે પાક માટે જમીન અનુકૂળ છે કે નહીં તે જાણવું
ખૂબજ જરૂરી છે. પાકને અનુકૂળ જમીન ન હોય તો પાક ઉત્પાદન માટે કરેલ ખર્ચના પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી. જેથી જે પાક વાવવાનો હોય તેને અનુરૂપ જમીન પસંદ કરવી જોઈએ. જેમકે બાજરી, મગફળી, મગ, મઠ, ચોળી, તળ, ગુવાર, દિવેલાં, વિગેરે પાકો માટે રેતારળ, ગોરાડું તથા મધ્યમ કાળી જમીનની જરૂરીયાત રહે છે, પરંતુ જો ભારે કાળી જમીન કે જેમાં પાણી ભરાઈ રહેતું હોય તેવી જમીન પસંદ કરવામાં આવે તો લક્ષ્યાંક પ્રમાણેનું ઉત્પાદન મળતું નથી. પિયત પાકો લસણ, ડુંગળી, ઘઉં, રાયડો, મકાઈ, જુવાર, રજકો વગેરે માટે મધ્યમ કાળી જમીન અને જીરૂં, ધાણાં, વરીયાળી, ઈસબગુલ, વગેરે માટે હલકી જમીન પસંદ કરવી જોઈએ. જયારે કપાસ માટે મધ્યમ કાળી તેમજ કાળી જમીન પસંદ કરવી જોઈએ, જેથી ખેતી ખર્ચમાં વધારો કર્યા સિવાય સારૂં ઉત્પાદન મેળવી શકાય. તે ઉપરાંત સ્થાનિક આબોહવા-હવામાન, બજાર વ્યવસ્થા, ખેડૂતની આવડત, કુંટુંબની જરૂરિયાત, જરૂરી ચીજવસ્તુની ઉપલબ્ધતા, મજૂર અને મશીનરીની ઉપલબ્ધતા વગેરે ધ્યાનમાં રાખી પાકની પસંદગી કરવી જોઈએ.

2. જમીનની તૈયારી
જમીન તૈયાર કરતાં પહેલાં જમીનનો ઢાળ તેમજ પાકનો પ્રકાર જાણવા ખાસ અગત્યના છે. જમીનના ઢાળને કાટખૂણે ખેડ કરવી તેમજ પાકનું વાવેતર કરવું. ઉંડા મૂળવાળા તથા કંદમૂળના પાકો માટે ઉંડી ખેડ અને છીછરા મૂળના પાકો માટે છીછરી ખેડ કરવી જોઈએ. ફકત દાંતી-રાંપથી છીછરી અને વારંવાર ખેડ કરવાથી જમીનની નિતારશકિત ઓછી થાય છે. વાવેતરની ઉતાવળમાં કયારા સમતળ ન કરવાથી પિયત પાણીનો વ્યય થાય છે તેમજ પાણી ભરાઈ રહેવાથી પાકને નુકશાન થાય છે. પિયત પાકો માટે ખુબજ લાંબા કયારાને બદલે જમીનના પ્રકાર, ઢાળ અને પાકને ધ્યાને રાખીને યોગ્ય માપના કયારા બનાવવા જોઈએ.

મોદી, બાઈડન, પુતિન, શી જિનપિંગ... દુનિયાના કયા લીડરને મળે છે સૌથી વધુ પગાર

3. બિયારણની પસંદગી
કૃષિ હવામાન વિસ્તાર પ્રમાણે જુદાં જુદા પાકોની જાતો બહાર પાડવામાં આવે છે, જે સ્થાનિક કે અગાઉની જાત કરતાં વધારે ઉત્પાદન, સારી ગુણવતા અને રોગ-જિવાત સામે પ્રતિકારક હોય છે. ઓછા પિયતની જરૂરિયાત અને વહેલી પાકતી જાતો પણ બહાર પડેલી છે. જમીન, હવામાન અને પિયતની સગવડતા પ્રમાણે જાતની પસંદગી કરવી જોઈએ. અનુકૂળ સારી જાતનું પ્રમાણિત બિયારણ સમયસર મેળવી લેવુ જોઈએ. ઘણી વખત વાવણીના આગલાં દિવસે જે મળે તે બિયારણ લાવી વાવવામાં આવે છે, જેથી પાક ઉત્પાદન ઓછું અને નબળી ગુણવતાનું મળે અને તેનો બજારભાવ પણ ઓછો મળે છે. નકલી કે ઉતરતી કક્ષાના બિયારણોમાં રોગ-જિવાત પ્રતિકારતા ન હોવાથી દવા પાછળ પણ ખર્ચ વધે છે. તેથી જો યોગ્ય બિયારણની પસંદગી કરવામાં આવે તો ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય વધુ ઉત્પાદન મેળવી શકાય.

4. બીજ માવજત
બીજને માવજત આપવાથી જમીનજન્ય તથા બીજજન્ય રોગ અટકાવી શકાય, સુષુપ્ત અવસ્થા તોડી શકાય, સારો, વહેલો અને એકધારો ઉગાવો મળે, વાવણી સરળ કરી શકાય તેમજ જિવાણુની માવજતથી નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરમાં બચત કરી શકાય. જેથી ખૂબજ ઓછા ખર્ચની બીજ માવજતથી પાક સંરક્ષણ અને ખાતરના જંગી ખર્ચમાં બચતની સાથોસાથ વધુ ઉત્પાદન મેળવી શકાય તથા જમીનની ફળદ્રુપતા જાળવી શકાય.

કુવૈત પોલીસે આગકાંડ બાદ 10 ગુજરાતીઓની અટકાયત કરી, તમામ મોઢપટેલ પરિવારના

5. વાવણીનો સમય
સુકી ખેતી વિસ્તારમાં વવાતાં પાકોનું વાવેતર મોડું કરવાથી ઓછું ઉત્પાદન મળે અથવા તો ઘણી વખત પાક નિષ્ફળ પણ જાય. પિયત પાકોનું વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન અને ગુણવતા પર માઠી અસર થાય છે. શિયાળુ પાકોનું ઠંડીની શરૂઆત પહેલાં તેમજ ઉનાળુ પાકોનું ગરમીની શરૂઆત પહેલાં વાવેતર કરવાથી ઉગાવો, વૃધ્ધિ અને વિકાસ પર વિપરીત અસર થાય છે. પરીણામે પુરી મહેનત અને ખર્ચ કરવા છતાંય ધાર્યુ ઉત્પાદન મળે નહીં.

6. વાવેતર પધ્ધતિ

ભલામણ મુજબ વાવણી પધ્ધતિ, વાવેતર અંતર, બીજનો દર તેમજ બીજની ઉડાઈ રાખવી જોઈએ. દા.ત. ઘઉં માટે બે હાર વચ્ચે ૨૨.૫ સે.મી. અંતર રાખી ૫ સે.મી. ઉંડાઈએ વાવવાની ભલામણ છે. જો બીજ વધારે ઉંડુ વાવવામાં આવે તો ઉગાવો ઓછો મળે અને ખાલાં પડે તેવીજ રીતે છીછરું વાવવામાં આવે તો ભેજ ઉડી જવાથી અને પક્ષીઓ દ્વારા નુકશાન થવાથી ઉગાવો બરાબર મળતો નથી, જેથી ઉત્પાદન ઓછુ મળે. હવે તો ખુબજ સારાં સ્વયં સંચાલિત વાવણીયા ઉપલબ્ધ છે. જો કે વાવણી ઉતાવળે ન કરતાં ખુબજ કાળજીપૂર્વક કરવી જોઈએ. સુકી ખેતીમાં એકમ વિસ્તારદીઠ છોડની સંખ્યા વધારે રાખવાથી છોડ વચ્ચે ભેજની હરિફાઈ થવાથી પાક ઉત્પાદન ઓછું મળે, જેથી ભલામણ કરેલ યોગ્યતમ છોડની સંખ્યા જાળવવી જોઈએ. જીરુંનું વાવેતર છાંટીને ન કરતાં હારમાં કરવાથી નીંદણ નિયંત્રણમાં અનુકૂળતા રહે છે અને રોગનું પ્રમાણ ઘટે છે. નાનાં બીજવાળા પાકની વાવણી પૂંખીને કે ઓરીને કરવાની હોય ત્યારે ઝીણી રેતી ભેળવી વાવેતર કરવાથી બીજની સમાન વહેંચણી ઉપરાંત બીજની બચત પણ કરી શકાય. આ ઉપરાંત સમયસર પારવણી અને ખાલાં પુરવા જોઈએ.

સુરત પાલિકાના અધિકારીઓએ કરી દારૂની પાર્ટી, પકડાયા તો ઉભી પૂંછડીએ ભાગી છૂટ્યા

7. ખાતર વ્યવસ્થા: જમીન પૃથ્થકરણના આધારે પોષક તત્વો આપવાથી જે તત્વની અછત હોય તે તત્વ વધારે
પ્રમાણમાં આપી શકાય અને જે તત્વ વધારે કે પૂરતી માત્રામાં હોય તેની પાછળ થતો ખર્ચ બચાવી શકાય. દા.ત. અમુક જમીનમાં પોટાશની માત્રા પૂરતી હોય ત્યાં પોટાશયુક્ત ખાતર આપ્યા વગર સારૂં ઉત્પાદન મેળવી શકા છે. આ સિવાય સુક્ષ્મ તત્વોની ઉણપ હોય તો પણ પાક ઉત્પાદન પર માઠી અસર થાય છે, જેથી જે સુક્ષ્મ તત્વની ઉણપ હોય તે આપવાથી ઓછા ખર્ચે ઉત્પાદન તથા ગુણવતા વધારી વધુ નફો મેળવી શકાય છે. યુરીયા અને ડીએપી જેવા ખાતરોના એકધારા વપરાશથી જમીનમાં ગંધક અને સુક્ષ્મ તત્વોની ઉણપ પેદા થઈ છે. જેથી સતત યુરીયા અને ડીએપી ન વાપરતાં એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટ જેવા ખાતરો વાપરવા જોઈએ. જેથી પાકને મુખ્ય તત્વો ઉપરાંત ગંધક જેવા તત્વો પણ મળી શકે. હાલની ટકાઉ ખેતીના અભિગમમાં રાસાયણિક ખાતર સાથે સેન્દ્રિય અને જૈવિક ખાતરો વાપરવાથી પાકનું ઉત્પાદન અને ગુણવતા વધે, જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક પરિસ્થિતિ સુધરે અને ખાતરનો ખર્ચ ઘટાડી શકાય. રાઈઝોબિયમ, એઝેટોબેકટર, એઝોસ્પિરીલમ, ફોસ્ફેટ કલ્ચર પાછળ ખુબજ નજીવો ખર્ચ થાય છે. પાકના અવશેષો, ઓગઠ, કચરામાંથી સારૂં કંપોસ્ટ ખાતર તૈયાર કરવું જોઈએ તેમજ અળસિયાનું ખાતર બનાવી વાપરવું જોઈએ. નદી-તળાવનો કાંપ અને ટાંચ જમીનમાં આપવાથી જમીન સુધારણાની સાથોસાથ પોષક તત્વો પણ મળે છે.

ઘઉંની કાપણી કંબાઈન હાર્વેસ્ટરથી કરી હોય ત્યારે જડીયાં, પાક અવશેષોને ન બાળતાં, રોટાવેટરથી જમીનમાં ભેળવવાથી સારા એવા જથ્થામાં સેન્દ્રિય પદાર્થ ઉમેરી શકાય. તેવીજ રીતે મગફળી અને દિવેલાંની ફોતરી જમીનમાં ભેળવવી જોઈએ. દરેક પાકને કયુ ખાતર કેટલું અને કયારે આપવું તે સંશોધનના આધારે નકકી થયેલ છે. સામાન્ય રીતે ફોસ્ફરસ અને પોટાશ વાવણી સમયે અને નાઈટ્રોજન પાકની જરૂરિયાત પ્રમાણે હપ્તામાં આપવો જોઈએ. ફોસ્ફરસનું જમીનમાં હલનચલન બહુ ઓછું હોવાથી જમીનની ઉપર આપવાથી પાકને બહુ ફાયદો થતો નથી અને ખાતરનો વ્યવ થાય છે, જેથી ચાસમાં ઓરીને આપવાની ભલામણ છે. નાઈટ્રોજનયુકત ખાતરો સમગ્ર જીવનકાળ દરમ્યાન બે કે તેથી વધારે હપ્તામાં પિયત આપ્યા બાદ કે પુરતો ભેજ હોય ત્યારે આપવા જોઈએ, જેથી ખર્ચ વધાર્યા સિવાય પાક ઉત્પાદન સારૂં મેળવી શકાય છે અને ખાતરનો વ્યવ થતો બચાવી શકાય છે. યુરીયા ખાતરને લીંબોળીનું તેલ કે ખોળનો પટ આપવાથી તેની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. સમસ્યાયુકત જમીનમાં અને સુક્ષ્મ તત્વોની ખામી તાત્કાલિક પુરવા પાન પર છંટકાવ કરી શકાય.

ગુજરાતના 33 જિલ્લાઓમાં વરસાદ અંગે મોટા અપડેટ : અંબાલાલ પટેલની આ તારીખની આગાહી

8. પાક સંરક્ષણ
જો પાક સંરક્ષણના પગલાં યોગ્ય સમયે લેવામાં આવે તો પાકને રોગ-જિવાતથી બચાવી શકાય છે. જો પાક સંરક્ષણના પગલાં મોડા લેવામાં આવે તો દવાનું પ્રમાણ વધારવુ પડે અને પાકને નુકશાન થઈ ગયા પછી વાપરવામાં આવેલ દવાનો વ્યય થાય છે, જેથી ખર્ચ વધવા છતાં વળતર મળે નહીં. જમીન, પાણી અને હવાનું પ્રદુષણ થાય તે અલગ. જેથી યોગ્ય દવા યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે છાંટવી જરૂરી છે. પ્રકાશ પિંજર, ફેરોમેન ટ્રેપ તથા જૈવિક નિયંત્રકોનો જંતુનાશક દવા સાથે યોગ્ય સમન્વય કરવાથી પણ અસરકારક પાક સંરક્ષણની સાથોસાથ ખર્ચમાં ઘટાડો કરી શકાય.

9. નીંદણ નિયંત્રણ
રોગ-જિવાતની જેમ નીંદણ પણ પાકનો દુશ્મન છે. પાકમાં થતાં નુકશાન પૈકી ત્રીજા ભાગનું નુકશાન માત્ર નીંદણથી થાય છે. જેથી નીંદણમુકત બીજ પસંદ કરવુ, સેન્દ્રિય ખાતર નીંદણમુકત અને સારી રીતે કોહવાયેલું હોવુ જોઈએ, ખેત ઓજારો સાફ કરવા, શેઢાપાળા નીંદણમુક્ત રાખવા, પાકની વાવણી યોગ્ય પધ્ધતિથી કરી યોગ્યતમ છોડની સંખ્યા જાળવવી, રાસાયણિક ખાતર ફકત પાકને મળે તે રીતે આપવું, ધોરીયા-પાળામાં જમીનનો વ્યવ ઘટાડવો તેમજ યોગ્ય સમયે હાથથી, યાંત્રિક કે રાસાયણિક પધ્ધતિથી નીંદણ નિયંત્રણ કરવુ જોઈએ, જેથી પાક ઉત્પાદન પર નીંદણની અસર થાય તે પહેલાં નીંદણનો નાશ કરીને પાકને બચાવી શકાય તેમજ પાક ઉત્પાદન સારૂં મેળવી શકાય.

10. પિયત વ્યવસ્થા
સૌરાષ્ટ્ર વિસ્તારમાં પિયત પાછળ ખાસ્સો ખર્ચ થાય છે. દરેક પાકને ભલામણ મુજબ પિયત આપવું જોઈએ. વધારે પિયત આપવાથી ખર્ચ વધે અને ઉત્પાદનમાં સાર્થક તફાવત જોવા મળતો નથી. ઉપરાંત જમીનની ભૌતિક અને જૈવિક સ્થિતિ બગડે. જેથી પિયત યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં અને યોગ્ય પધ્ધતિથી આપવું જોઈએ. પાણીની અછતની પરિસ્થિતિમાં પાકની કટોકટીની અવસ્થાઓએ પિયત આપી શકાય. રેલાવીએ પિયત આપવાની પધ્ધતિમાં પાક, જમીનનો પ્રકાર અને ઢાળ પ્રમાણે કયારાની લંબાઈ અને પહોળાઈ રાખવી. સેન્દ્રિય અને પ્લાસ્ટીકના આવરણથી તેમજ એકાંતરા ચાસમાં પિયત આપવાથી પિયત પાણીનો બચાવ કરી શકાય. સુક્ષ્મ પિયત પધ્ધતિઓ અપનાવવાથી ઉત્પાદન અને ગુણવતા વધે તેમજ પાણીની બચત અને અન્ય ખેત કાર્યોના ખર્ચમાં બચત કરી શકાય. ચોમાસુ ઋતુમાં વરસાદ ન હોય તેવા સુકા ગાળામાં પાકને જીવનરક્ષક કે પૂરક પિયત આપવામાં આવે તો ઉત્પાદન લગભગ બમણું મેળવી શકાય છે.

અમૂલે લોન્ચ કરી કાઠિયાવાડી છાશ, સૌરાષ્ટ્રનો અસલ સ્વાદ માણવા મળશે, આ ભાવે વેચાશે

11. કાપણી
પાક પરિપકવ થયે તેની કાપણી કરવી જોઈએ. ઘઉંની કાપણી મોડી કરવામાં આવે તો પાક ઢળી પડે જેથી ઉત્પાદન ઓછું મળે છે. વરિયાળી જેવા પાકની મોડી કાપણી કરવાથી ગુણવતા બગડે છે. તેવીજ રીતે વહેલી કાપણી કરવાથી પાક ઉત્પાદન ઓછું અને ચીમળાયેલ દાણાવાળું નબળી ગુણવતાનું મળે છે, જેના બજારભાવ ઓછા મળે છે. ઈસબગુલની કાપણી વહેલી સવારે ન કરતાં સૂર્યતાપ થયે કરવી જોઈએ, જયારે ઘઉંની કાપણી ઓછા સૂર્યતાપમાં કરવાથી દાણાં ખરતાં અટકાવી શકાય. યાંત્રિક રીતે કાપણી કરવાની થાય ત્યારે સમગ્ર પાક પરિપકવ થયો હોય તે જરૂરી છે. લસણ અને ડુંગળીના કંદની યોગ્ય રીતે કાપણી કરવાથી તેની સંગ્રહશકિત વધે છે તેમજ બજારભાવ સારા મળે છે. પાક ઉત્પાદનને સંગ્રહ કરતાં પહેલાં યોગ્ય રીતે સુકવણી કરવી જોઈએ, જેથી સંગ્રહ દરમ્યાન જિવાતનો ઉપદ્રવ ઓછો રહે. સમગ્ર ઉત્પાદનને જુદાં જુદાં જથ્થામાં ગ્રેડીંગ કરીને વેચાણ કરવાથી સરવાળે ફાયદો થાય છે. સ્થાનિક વેપારીને વેચાણ ન કરતાં ખેત ઉત્પન્ન બજારમાં વેચાણ કરવાથી યોગ્ય ભાવ મળવાની સાથોસાથ વજનમાં થતી ગોલમાલ તેમજ અન્ય જોખમ અટકાવી વળતર વધારી શકાય.

12. પાક પધ્ધતિ અને ખેત પધ્ધતિ
સતત એકને એક પાક લેવાથી અમુક તત્વોની ઉણપ વર્તાય તેમજ રોગ-જિવાતના પ્રશ્નો ઉદભવે છે, જેથી ધાન્ય વર્ગના પાક પછી કઠોળ વર્ગના પાકની ફરબદલી કરવાથી ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય બંને પાકોનું ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય વર્ગના પાકને નાઈટ્રોજન તત્વની વધારે જરૂરીયાત રહે છે, જયારે કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસ તત્વની વધારે જરૂરીયાત રહે છે. જેથી પાક ફેરબદલીથી જમીનમાં પોષક તત્વોનું સંતુલન પણ જળવાઈ રહે છે. જે તે વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર વ્યવસ્થા, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા, કુંટુંબની જરૂરિયાત વગેરેને અનુરૂપ ખેત પધ્ધતિ અપનાવવી જોઈએ. આર્થિક વળતર ઉપરાંત જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તે જરૂરી છે. જે માટે પાક પધ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો જોઈએ. ઉપલબ્ધ સંસાધનોના કાર્યક્ષમ ઉપયોગ કરવા, પાક નિષ્ફળનું જોખમ ઘટાડવા અને રોગ-જિવાત તથા નીંદણનું નિયંત્રણ કરવા માટે યોગ્ય પાક પધ્ધતિ, પાકની ફેરબદલી, મિશ્ર/આંતરપાક પધ્ધતિ અપનાવવી જોઈએ. પહોળા અંતરે વવાતાં લાંબાગાળાના પાકોમાં શરૂઆતના સમયમાં ટુંકાગાળાના આંતરપાકો લઈ વધારાની આવક મેળવી શકાય. પશુપાલન જેવા ખેતીના પૂરક વ્યવસાયથી ખર્ચ ઘટાડી આવક વધારી શકાય.

અંતમાં, ખેતી ખર્ચ ઘટાડવા માટે આગોતરૂં આયોજન, વ્યવસ્થા, જાણકારી, સમયસરના ખેત કાર્યો, મહેનત, કાળજી, અનુભવ, કૌશલ્ય, નિર્ણયશકિત અને ખાસ કરીને હીસાબ રાખવો અતિ આવશ્યક છે.

આ દેશ સામેથી નોકરી પણ આપશે અને વિઝા પણ, દેશ પર મોટું સંકટ આવતા ખોલ્યા દરવાજા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે